અષાઢી વાદળને વિલોકીને કલાપી કેકારવ કરે છે, પ્રેરણા પાતાં પિચ્છને પહોળાં કરે છે, નાચે છે, કૂદે છે, મહોત્સવ માને છે. એમનાથી એમ કર્યા વિના રહેવાતું જ નથી.
પૂર્ણમાના પ્રકટ થતા ચંદ્રને નિહાળતાંવેંત સાગરનું હૈયું હિલોળે ચઢે છે. પોતાના પ્રાણની પૂજા એની આગળ ઠાલવવા માટે એ ઉછાળા મારે છે. આનંદ અને અનંત આકર્ષણની એવી અભિવ્યક્તિ એને સારુ સહજ થઈ પડે છે.
ફૂલની ફોરમે ફોરમવંતા થયેલા ઉપવનમાં ભ્રમર આપોઆપ આવે છે; ફૂલની સાથે કેલિ કરતાં વાતે વળગે છે.
મારા હૃદયનું, પ્રાણનું, રોમેરોમનું પણ એવું જ છે ને ? તમારા સુધામય સ્વર્ણસુંદર સ્વરૂપનો સ્વાદ લઈને, તમારી સ્નેહસુધાનું પાન કરીને એ ઉછાળા મારે છે, હિલોળે ચઢે છે, સ્નેહના સનાતન સૂરમાં સરી રહે છે.
લોકો એને કવિતા કહે છે : જે મારું જીવન તેને કવન કહે છે !
(૩૦-૧-૧૯૬૦, શનિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)