બધાં રૂપ, બધાં મુખમાં તમારાં જ રૂપ, મુખનું દર્શન કરું છું.
તમારી અમીભરેલી અલૌકિક આંખલડીને બીજા બધાની આંખમાં જોયા કરું છું. શબ્દેશબ્દે તમારું જ સંગીત સાંભળ્યા કરું છું, પ્રત્યેક સુધામય, શીતળ, સુખદ સ્પર્શમાં તમારા જ સ્વર્ગીય સ્પર્શનો અનુભવ કરું છું.
બધા રસમાં તમારા જ રસનું પાન : સઘળી સુંદરતા, શુચિતા, શ્રીમાં તમારી જ સુંદરતા, શુચિતા શ્રીનો સાક્ષાત્કાર : પ્રત્યેક પરમાણુમાં તમારા મંગલમય મંદિરનું દર્શન કરું છું.
જગતમાં જ્યારથી જાગ્યો ત્યારથી તમારી સાથેની એવી એકતા થઈ ગઈ છે : તમારે માટેની એવી લગની લાગી ગઈ છે.
તમારા જ જગતમાં જીવું છું. તમારા જ શ્વાસે શ્વાસ લઉં છું.
મહાશિવરાત્રી
(૨૫-૨-૧૯૬૦, ગુરુવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)