તમારી ને મારી એવી પ્રીતિ થઈ ગઈ છે જેવી પાણી ને મીનની. તદ્દન સહજ ને સ્વાભાવિક થઈ ગઈ છે. કોઈપણ કાળે ને સ્થાને તૂટી તૂટવાની, ખૂટી ખૂટવાની નથી.
તમારી ને મારી એવી પ્રીત થઈ ગઈ છે જેવી ફૂલ ને ફોરમની. તદ્દન સહજ ને સ્વાભાવિક બની ગઈ છે. કોઈપણ કાળે ને સ્થાને તૂટી તૂટવાની, લૂંટી લૂંટાવાની નથી.
તમારા વહાલની વીણાને લઈને, તમારું ગૌરવગીત ગાતાં, ધરતી પર ફર્યા કરું છું. તમારા વહાલ વિના મારા જીવનમાં બીજું કાંઈ જ નથી. તમારી સાથે સ્મિત કરતાં, તમારા સમાગમસુખનો સ્વાદ લેતાં, ધરતી પર ફર્યા કરું છું.
તમારી ને મારી એવી પ્રીતિ થઈ ગઈ છે જેવી વાણી અને અર્થની. તદ્દન સહજ ને સ્વાભાવિક બની ગઈ છે. કોઈપણ કાળે ને સ્થાને તૂટી તૂટવાની, ખૂટી ખૂટવાની નથી.
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

