જીવનની આ જટિલ, લાંબી યાત્રામાં તમે મને મળી ગયાં એ મારું સદ્ ભાગ્ય છે. તમારા વિના મારી મુસાફરી ખરેખર રસ ને કસ વિનાની, ભારરૂપ થઈ પડી હોત. તેને હું ભાગ્યે જ સહીસલામત રીતે પૂરી કરી શક્યો હોત.
તમારે લીધે જ મારું જીવન જીવન બન્યું, રસાળ થયું.
મારા જીવનમાં થયેલા તમારા પ્રાકટ્યને કોની સાથે સરખાવું ? અંધારી રાતને અંતે થયેલા ઉષાના પ્રાકટ્ય સાથે ? રાગથી રંગાયેલા ગગનમાં ચમકતી પેલી પૂનમની પોયણી જેવી ચંદ્રકલાની સાથે ? કે જગતને જીવન આપવા આવી પહોંચેલી પેલી ગૌરવભરી ગંગાની સાથે ?
એ સૌના કરતાં તમારો મહિમા વધારે છે. તમારો ઉપકાર મોટો છે : તમારી સુંદરતા, સરસતા અધિક છે. એ સૌનું સ્મરણ કરીને તમને માત્ર એટલું જ કહું છું કે જીવનની આ મહાયાત્રામાં તમે મને મળી ગયાં એ મારું મોટામાં મોટું સદ્ ભાગ્ય છે.
(૨૬-૩-૧૯૬૦, શનિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

