Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વર્ષાઋતુની એક સાંજે હું યોગીના એકાંત આશ્રમમાં જઈ ચડ્યો.

થોડીવાર સુધી આડીઅવળી ચર્ચાવિચારણા કર્યા પછી તેણે મને પૂછ્યું, “તમને શું યોગની પેલી સિદ્ધિ સાંપડી છે જે દ્વારા યોગી કાંટા, કાંકરા, કાદવ, કીચડ, પાણી પરથી પસાર થઈ શકે છે ? મારી માફક તમને પણ શું એવી સિદ્ધિ સાંપડી છે ?”

મેં કહ્યું, “પ્યારા યોગી, એવી સિદ્ધિ સિવાય મારી મુસાફરી નથી અટકી. હું મુસાફર છું ને મારી મુસાફરી ચાલુ છે. પણ હા, એક બીજી વાત કહી બતાવું. મારી આજુબાજુનો કલહ, કટુતા કે ક્લેશનો કાદવ મને કાંઈ અસર નથી કરી શકતો. નિંદા, ટીકા, કષ્ટોના કાંટાકાંકરા અને પ્રતિષ્ઠાના પાણીથી હું અલિપ્ત રહું છું. એને યોગ કહે કે યોગની સિદ્ધિ કહે, મને એથી આનંદ મળે છે.”

યોગી મારા તરફ બે હાથ જોડીને બેસી રહ્યો – સૂનમૂન થઈને બેસી રહ્યો.

(૨-૪-૧૯૬૦, શનિવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)