Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક વખત એવો હતો કે લોકો અખંડ યૌવનથી સંપન્ન રહેતા. પદ્મની પાંખડીની પેઠે અંગેઅંગ અવનવી આભાથી ઓપી રહેતાં. કુસુમ તો કદીક પણ કરમાય, પણ કાયા જાણે કે ના કરમાતી.

પણ પછી તો કહે છે કે માનવીને જુવાનીનો મદ ચઢ્યો. રૂપના ગુમાનમાં ઘમંડી બનીને એણે ના કરવાનાં કામો કરવા માંડ્યા, ના જવાને રસ્તે જવા માંડ્યું. અંગમાં જ આસક્ત અસુરની જેમ એણે જીવવા માંડ્યું.

ત્યારે, કહે છે કે, દેવોએ ને વિવેકી સ્ત્રીપુરુષોએ જુવાનીને પ્રાર્થના કરી. એ દિવસથી, કુદરતના કાનૂન પ્રમાણે કરમાવાનું શરૂ કરી, જુવાનીએ ઘડપણ બનવાનું ચાલુ કર્યું.

જુવાની ને ઘડપણ ત્યારથી, કહે છે કે, વારાફરતી ચાલ્યા કરે છે.

(૩-૪-૧૯૬૦, રવિવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)