કવિતારસના રસિયા કહે છે કે ઉપમા તો કવિ કાલિદાસની જ; ભારવિનું અર્થગૌરવ, દંડીનું પદલાલિત્ય સૌથી વધારે પ્રશંસનીય; ને માઘમાં એ ચારે ગુણ રહેલા છે. કોઈ કહે છે કે કથાની કળા કે સંકલના તો બાણની જ.
એ વાતનો નિર્ણય ગમે તે હોય, પરંતુ મારામાં એમાંનું કશું જ નથી. એ કવિઓની એકે વિશેષતા મારામાં નહિ મળે. મને એની ચિંતા પણ નથી.
મારાં તન, મન, અંતર, અણુએ અણુ ને મારી રચનામાં તો છે તમારા પ્રેમનો પુનિત ત્રિભુવનતારક પરમ પ્રવાહ; તમારા સ્નેહનો સુમધુર સંવાદ; તમારી આરાધનાના આછાપાતળા એવા આઘાત-પ્રત્યાઘાત. એને લીધે જ મારો આનંદ છે; એને લીધે જ છે મારું ગૌરવ.
સાગરના તરંગ, વખતના વીતવા સાથે, કિનારા પરના પથ્થરને પણ પીગળાવીને, રેતીમાં પલટાવી નાખે, તેમ તે પથ્થરદિલને પણ ડોલાવશે, દ્રવીભૂત કરશે, સ્નેહની સુવાસે ભરી દેશે. એમાં જ એની સફળતા છે.
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

