Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઉષાના ઉન્માદકારક રંગો આકાશમાં બધે જ ફરી વળ્યા હતા. ઉપવનનાં પંખીનો કલરવ સર્વત્ર સંભળાતો. એથી પ્રસન્ન પવન આમતેમ આંટા મારતો.

એ વખતે, સવારના સોનેરી સમયે, એ મારી પાસે આવી પહોંચી.

એના અંગાંગમાં મોગરા ને માલતીની મધુરતા હતી. લોચનમાં હતી ચપલાની ચમક. મુખ તો જાણે કે મધપૂડો.

એની ને મારી આંખ એક થઈ એટલે એણે એકાએક પૂછ્યું, મારા પ્યારા કવિરાજ, આટલી બધી સુંદરીઓ, આટલી બધી કુમારિકાઓ, તારા કૃપાકટાક્ષની કામનાથી, તારી પાસે આવે છે, છતાં તું મારા જ ગુણો કેમ ગાય છે, મારા જ પ્રેમથી પરિપ્લાવિત શા માટે થાય છે ?

દેવી ! ... હું એની આગળ વધારે ખુલાસો કરું તે પહેલાં તો મારું અંતર ટપકવા માંડ્યું : મારાથી કાંઈ કહી જ ના શકાયું.

પાસે બેઠેલા પંખીએ જાણે પોકારીને કહ્યું : તમારા વિના બીજા કોનામાં એમને આમ પ્રેમમાં પલાળી દેવાની, અરે, દૃષ્ટિમાત્રથી અચળ કરવાની શક્તિ છે ? પછી એ તમને કેમ ના ચાહે ? સંસારમાં સૌ છે, સારો સંસાર છે, પણ તમે તો સૌનાં સ્વામિની, એના અંતરના અધિકારિણી છો.

એના મનનું સમાધાન થયું.

(૧૨-૪-૧૯૬૦)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)