Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પોતાનો આધાર લઈને આગળ વધનારી વલ્લરીને વૃક્ષે કહેવા માંડ્યું : વલ્લરી, મારા વિના તારું જીવન નિરાધાર છે. હું ના હોઉં તો તું જીવી જ ના શકે. કોઈ તને આશ્રય પણ ના આપે.

વલ્લરીએ કેવળ સ્મિત કર્યું.

એ જ દિવસે સાંજે એક કઠિયારાએ વનના એ વિશાળ વૃક્ષને કાપી નાખ્યું.

વૃક્ષ વલ્લરીનો વિરહ ના સહી શક્યું. કપાઈને નીચે પડતાં બોલ્યું, દેવી, મને ખબર નહિ કે મારા જીવનમાં તું આટલી બધી જડાઈ ગઈ છે. તારે લીધે જીવન તો મારે માટે હર્યુંભર્યું હતું જ, કિંતુ તારા વિના મરણ પણ મારક થઈ પડ્યું છે. હું તારો નહિ પણ તું મારો આધાર હતી તેની મને સમજ પડી.

વલ્લરી અનુરાગના એ એકરારથી કંપી ઊઠી.

(૧૫-૪-૧૯૬૦, શુક્રવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)