સ્વાતિ નક્ષત્રમાં વરસાદી વાદળીનું એક બિંદુ પડ્યું; સાગરને ખોળે ખેલતી માછલીએ એને ઝીલી લીધું. ઝીલીને એ એની અખંડ આરાધનામાં લાગી ગઈ. કહે છે કે કાળે કરીને એનું મોતી થયું; ને માછીમારે એને મેળવી લીધું.
તમારા સ્નેહની સાધારણ વર્ષામાંથી, તમારી આંખના એક જ અમીબિંદુમાંથી, મારું જીવન પણ ઉજ્જવળ થયું છે ને અવનવું બન્યું છે. કહો કે એને એનું મોતી-મહામૂલ્યવાન મોતી મળ્યું છે. એનું બધું જ દુઃખદારિદ્રય દૂર થયું છે.
પણ, આખ્યાયિકાનો અંત કાંઈ એટલેથી જ નથી આવતો. તમે મને તમારું રઢિયાળું રૂપ ધર્યું છે, તમારી સ્નેહસુધાનું દાન કર્યું છે, મારા જરીજેટલા જીવનમાં ક્યારનું સ્વાતિનક્ષત્ર કર્યું છે.
મારા વિશાળ વ્યોમવિતાનની વાદલડી વરસોથી વરસે છે, વારંવાર વરસે છે : એવી અજ્ઞાત આશાથી કે કોઈ એને ઝીલી લે, કોઈ એનો લાભ લઈને જીવનનું કલ્યાણ કરનારું મહામોતી મેળવી લે - કોઈ એને ઝીલી લે !
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

