તમારા સિવાય મારા મારા જીવનમાં બીજું છે જ શું એ જરા કહી બતાવશો ?
વૈશાખી પૂનમનો ચંદ્ર વ્યોમના વિશાળ પટ પર એકલો જ પ્રકાશે છે; આસપાસની અવનીમાં અમીવર્ષણ કરનારી આ રાતરાણી પણ એકલી જ છે. તેમ તમે ને તમારા સ્નેહની સુધા સિવાય મારા જરી જેટલા જીવનમાં બીજું કશું જ નથી -કશાનું અસ્તિત્વ નથી. છતાં પણ હોય તો જરા બોલી બતાવશો ?
સરિતાના સુંદર સ્વર્ગીય સંગમની પેઠે એક થયેલાં આપણાં અંતર એમના આલાપમાં ઓતપ્રોત થઈને આગળ ને આગળ વહ્યા કરે છે. એમાંથી જ જીવન બને છે. એ જીવન વિના મારી પાસે બીજું શું છે, કયું જીવન છે, તે કહી બતાવશો ?
(૩૦-૪-૧૯૬૦, શનિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

