Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કૃપા કરીને એવું કરો કે હવે યુદ્ધ ના થાય. એકે બાળક માતાપિતા વિનાનું, એકે સ્ત્રી પતિ વિનાની ના થાય. ધરતીના કોમળ કાળજા પર એટમ ને હાઈડ્રોજન જેવા બૉમ્બના પ્રયોગ ના થાય : કોઈની કતલ, કોઈનો સંહાર ના થાય : કુસુમ કરતાંયે કોમળ, માયાળુ, નિર્દોષ માનવોનો નાશ ના થાય. કૃપા કરીને એવું કરો કે હવે યુદ્ધ ના થાય.

સંપત્તિ ને શક્તિનો દુર્વ્યય ના થાય; એકમેક સામે મોરચાયે ના મંડાય. દાનવ બનેલો માનવ એથી આગળ ના જાય. અરે, યુદ્ધે તો કોઈનુંયે કલ્યાણ કર્યું છે ? જ્યાં એ જાગે છે ત્યાંના સૌનો સત્યાનાશ કરે છે. યુદ્ધના એ દાનવનું દફન થાય, સમસ્ત સંસારમાં શાંતિ, સંપ, સહકાર, સેવાભાવનો વિજય થાય : સૌની સ્વતંત્રતાની સુરક્ષા થાય : કૃપા કરીને એવું કરો કે હવે યુદ્ધ ના થાય.

એ માટે માનવના મનને મધુમય કરો. માનવના મનમાં નીતિ, ન્યાય, સ્વતંત્રતાની પ્રીતિ ભરો. માનવને સાચા અર્થમાં માનવ કરો; દિવ્યતાથી ભરો. એવા સંસારની રચનામાં, જ્યાં હો ત્યાંથી, તમારો ફાળો ધરો.

કૃપા કરીને એવું કરો કે હવે યુદ્ધ ના થાય.

(૧-૫-૧૯૬૦, રવિવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)