Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારો સહવાસ કેટલો બધો અનેરો, અજબ, આહ્લાદક, જાદુભરેલો, ચમત્કારિક છે તે તમે જાણો છો ? ના. તમને તેની શી ખબર ? સાકરને તેના સ્વાદની, મધને મીઠાશની, વસંતને વરણાગીપણાની, ચંદ્રને ચારુતાની ને કોકિલને પોતાના કૂજનની કલાત્મકતાની કાંઈ ખબર છે ખરી ?

એ સહવાસમાં હું બીજું બધું જ ભૂલી જઉં છું. ચિંતા, વેદના, દુઃખ, દર્દ સઘળું વિસરીને સમાધિના સહજ સુખનો સ્વાદ લઉં છું. તમારા મુખમંડળના મધુનું ધરાઈ ધરાઈને પાન કરું છું. તમારાં સુધામય સ્વરનું સંગીત માણું છું. મને થાય છે કે મારા જેવો ને જેટલો ધની, ધન્ય આ ધરતી પર બીજો કોઈ જ નથી.

તમારા સ્નેહસંબંધને હું એક મહાન ગૌરવ ગણું છું; તમારા સહવાસનું સુખ સાંપડવા બદલ મારી જાતને ખરેખર બડભાગી માનું છું.

(૨-૫-૧૯૬૦, સોમવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)