Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વસંતની લલિત લહરી ચારેકોર ફરી રહી હતી ત્યારે દૂર દેશના એ જિજ્ઞાસુ પ્રવાસી મારી પાસે આવી પહોંચ્યા ને મને પૂછવા માંડ્યા : પ્રભુ, જરા સમજાવશો, કહી બતાવશો, જીવન હો તો કેવું હો ?

મેં તેમને જરા ધીરજ ધરવા કહ્યું.

થોડીવારે પ્રતીચીના પડદા પાછળથી સૂર્યોદય થયો; એનાં કોમળ કિરણ બધે કેલિ કરતાં ફરી રહ્યાં; મારા મકાનની સમીપના સરોવરનાં કોટિ કમલો ખીલી ઊઠ્યાં. ભમરાઓએ એનો ઉત્સવ કર્યો, ને પંખી એ જોઈને પોકારી ઊઠ્યાં.

મધમાખી, ફોરમવંતાં ફૂલ પર ફરતાં મધુનો સંચય કરવાના કામમાં લાગી ગઈ.

રાત પડી ત્યારે સમસ્ત સૃષ્ટિ સૂઈ ગઈ પણ સુધાકરની સાધના ચાલુ જ રહી. અંધકારમાં પણ અજવાળું ભરતી એની આરાધના ચાલુ જ રહી.

કુદરતની કળા તરફ અંગુલિનિર્દેશ કરીને એમને મેં કહ્યું: જીવન હો તો આવું જ હો, જિજ્ઞાસુ પ્રવાસી, જીવન હો તો ખરેખર આવું જ હો !

(૩-૫-૧૯૬૦, મંગળવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)