Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કોણે પેદા કર્યો છે આ પીયૂષનો પ્યાલો ? એનો ઘાટ ઘણો સુંદર છે અને આસ્વાદ પણ અત્યંત અજબ. કહે છે કે એની લહેજત લેનાર અમૃતમય બની જાય છે : હાથે પકડી ને હોઠે લગાડીને મેં એનો આસ્વાદ લેવાનો આરંભ કર્યો છે.

પરંતુ એમાં એકલું અમૃત નથી. પાર વિનાના પીયૂષની વચ્ચે વિષનાં બિંદુ પણ ભળેલાં છે. કેટલીકવાર કાળજાને કંપાવી, કોરીને, બધીયે મજાને મારી મૂકે છે.

એ વિષનાં બિંદુ કોણે પાડ્યાં છે તે તો કોને ખબર, પણ છે અત્યંત આશીર્વાદરૂપ. પ્યાલાના પ્રલોભનમાં પડતા ને પ્યાલામાં બંધાઈને ભાન ભૂલતા માનવને તે બચાવે છે, અલિપ્ત રાખે છે.

અત્યંત અજબ અને આકર્ષક છે આ પીયૂષપ્યાલો !

(૮-૫-૧૯૬૦, રવિવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)