મારા જીવનમાં મે બીજું શું કર્યું છે ? કલ્પના કરતો અને અનુભવતો થયો, લાગણી ને બુદ્ધિને વર્યો ત્યારથી, તમારી કવિતા કરીકરીને તમારે ચરણે ધરતો રહ્યો છું. દેવમંદિરના પૂજારી જેમ માળાને તૈયાર કરે છે, તમારે માટેની માળા તૈયાર કરવામાં ને તમને અર્પણ કરવામાં, તેમ મેં મારું જીવન પસાર કર્યું છે.
મારા જીવનમાં એકમાત્ર તમારી સેવા, પૂજા, પ્રસન્નતા સિવાય મેં બીજું શું કર્યું છે ? આગળથી, પાછળથી, ઉપરથી, નીચેથી, બધી બાજુથી, મારા હૈયાને હલાવી નાખીને જેટલી રીતે ભરી શકાય એટલી બધી રીતે મારા પ્રાણની પ્રેમપ્યાલી મેં તમારે માટે ભર્યા કરી છે; મારી સિતારીને સુમધુર સ્વરે સુશોભિત કરી છે.
મને સંતોષ છે કે જે સર્વોત્તમ સમય મને મળ્યો તેને મેં તમને સર્વપ્રકારે સંતોષ થાય એ પ્રમાણે જ પૂરો કર્યો છે.
(૯-૫-૧૯૬૦, સોમવાર)

