Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જીવનની મહાયાત્રામાં, તને ભૂલું નહિ, એવી પ્રાર્થના મારે કરવાની નથી. તું મારા શ્વાસોશ્વાસમાં સાકાર થયો છે; મારા રોજિંદા જીવનના તાણાવાણામાં વણાઈ ગયો છે.

સૃષ્ટિની સોનેરી સફરમાં, એકલો હોઉં ત્યારે ને વસતીની વચ્ચે, તું મારું જતન કરે, એવી વિનંતિ મારે કરવાની નથી. તારો હેતાળ હાથ મારા પર સદાને સારુ ફેલાયેલો છે : તારી કૃપાનો પ્રકાશ પળેપળે, પદેપદે રેલાયેલો છે.

તને ભૂલી જવાની ભીતિ નથી. તારું નિરંતર નામસ્મરણ કરવાની ચિંતા નથી. પ્રાણની સિતારી સાથે તારો પ્રાણ એવો એકાકાર થયો છે કે એમાંથી એકતાનું સનાતન સંગીત છૂટ્યા જ કરે છે. એના આલાપો આકાશપાતાળમાં છૂટ્યા જ કરે છે.

આવી જ એકતાનતાને માટે મારી સાધના હતી, પ્રાર્થના હતી. તે ફળી છે તેથી આનંદ થાય છે, અપાર આનંદ થાય છે.

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)