કવિ થવાની કામના મારા જીવનના ઉષઃકાળમાં ક્યારેય ન હતી. મારે તો ફક્ત પ્રેમી થવું હતું, અનુભવી બનવું હતું, તમારા કૃપાપાત્ર થઈને સમસ્ત જીવનને કવિતામય કરવું હતું.
તમારા સ્નેહ ને સાન્નિધ્યની જ મારી ઈચ્છા હતી; તેની સાથે સાથે તમારી સૃષ્ટિની સેવાની.
એટલા માટે જ, પ્રભાતના પ્રથમ પ્રહરમાં, કલકલ કરતાં ઝરણ જેમ સરિતા ને સાગરને રસ્તે ચાલ્યાં જાય છે, તેમ હું તમને મળવા, તમારી સાથે સંવાદ સાધવા તૈયાર થયેલો. પ્રભાતનાં પેલાં પંખીની પેઠે જીવનમાં જાગતાંવેંત જ, મારો માળો મૂકીને, હું તમારે માટે વિહારે નીકળેલો.
એ વાતને તો વરસો વીતી ગયાં. તમે મને તમારો કર્યો પણ ખરો. સાથેસાથે તમારી વિશેષ કૃપાથી કવિ પણ કરી દીધો. તમે જ જ્યારે મને કવિનું આસન અર્પણ કર્યું તો મેં એને અપનાવી લીધું.
અને એવું બીજું કેટલુંય અપનાવ્યું છે, અપનાવીશ. ફક્ત એકજ ઈચ્છાથી કે એથી પણ હું તમારી સેવા કરી શકીશ; તમારી સૃષ્ટિને તમારા સ્નેહ ને મહિમાના સૂરીલા સ્વરથી ભરી દઈશ.
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

