Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભાત પૂરું થાય તે પહેલાં માળી ફૂલવાડીનાં ફૂલને વીણી લે છે. એ જ સાચો સમય હોય છે - ફૂલને વીણી લેવાનો; પછી કોઈ કરમાઈ જાય કે કોઈનાથી વીણાઈ જાય. એ ફૂલ ફોરમ ફેલાવીને કહ્યા કરે છે કે કોઈ અમને લઈ લો; બડભાગી બની લો.

નદીનું નીર બીજાને ખપ લાગતું આગળ ને આગળ વહ્યે જ જાય છે. કોઈક કાનવાળાને કહ્યા કરે છે કે સાગરમાં સમાઈ જઉં ને મીઠારૂપે મટી જઉં ત્યાં સુધીમાં જેવો કરવો હોય તેવો મારો સદુપયોગ કરો; મારો આસ્વાદ લો.

વરસાદ પોતાને જે સુઅવસર સાંપડ્યો છે તેનો લાભ લઈને ધરતીને રસકસથી ભરી દેવા એના પર ઢળી પડે છે.

સૂર્યનો પ્રકાશ વહેલી સવારથી જ સેવાની સફર શરૂ કરે છે. પરબનું પાણી પ્યાસા પથિકની પ્રતીક્ષા કરવામાં, તેમની પાસે પહોંચવામાં આનંદ અનુભવે છે.

વસંત પૂરબહારમાં ખીલીને સૃષ્ટિને સુશોભિત બનાવે છે. એ પણ જાણે છે કે સેવા, સ્નેહ, આરાધનાનો આવો અવસર અવારનવાર નથી આવતો. એ વ્યર્થ ના વહી જાય એ માટે પાનખર પહેલાં એ પોતાનું કામ પૂરું કરે છે.

જીવનનું ને જીવનની વસંતનું પણ એવું જ છે. એ છે ત્યાં સુધી સંપૂર્ણપણે સેવા કરી લે, પૂજા કરી લે, આહ્લાદ દઈ ને લઈ લે. એ બધાં જ એમ કહ્યા કરે છે; જે સાંભળે છે તેમને કહ્યા કરે છે.

(૧૬-૫-૧૯૬૦, સોમવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)