‘માળાને બાજુએ મૂકી દે, સેવાપૂજાને છોડી દે, આરાધનાનો આડંબર અળગો કરી દે, પ્યારા પૂજારી, અંદરબહાર, ઉપર ને નીચે આગ સળગે છે ત્યારે માળાને બાજુએ મૂકી દે. હાથમાં પાણીનાં પાત્રોને લઈને, આગને ઓલવવાના મહાકાર્યમાં ભાગ લે.’
‘પર્વતીય પ્રદેશની નીરવ ગુફામાં, પલાંઠી વાળીને ધ્યાનમાં શું બેઠો છે ? પુષ્પોના ઢગલા કરીને ને પ્રસાદની પરંપરા રચીને, અનેક પ્રકારના આલાપ દ્વારા તારા પ્રિયતમને પ્રસન્ન કરવાની ફિકરમાં શા માટે પડ્યો છે ? અનેક અશાંત છે, પીડામાં પ્રજળી, અંધારામાં અટવાઈ રહ્યાં છે ત્યારે, એમનો માર્ગદર્શક થવા, એમને પ્રકાશ ને શાંતિ દેવા ધીખતી ધરા પર આવી પહોંચ. એમને આરામ આપવાના મહાકાર્યમાં ભાગ લે.’
એવું એવું કહીને તારી આરાધના અને સાધનાને અન્યાય નહિ કરું; તને સમજવાની ભૂલમાં નહિ પડું. મારા શબ્દો તને અસર કરતા હોય તો આવ, સેવાના મહાકાર્યમાં શામિલ થા. અથવા તો તારી આરાધનામાં અંતરને ઓતપ્રોત કરીને એવું અમૃત મેળવી લે જેથી સંસારમાં શાંતિ થાય, વિષને ઠેકાણે અમૃત થાય. એવી દૃષ્ટિ, વાણી, શક્તિ કેળવી લે. બાકી જડની જેમ તો ના જ જીવી રે.
(૧૮-૫-૧૯૬૦, બુધવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

