Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા મહાકવિ ! તારી વિરાટ વિશ્વકવિતાની બરાબરી મારી કરોડો કવિતાયે નથી કરી શકે તેમ.

કેટલી કોમળ છતાં કરાળ, કાલાતીત, કલાત્મક છે તારી કવિતા ! જડ ને ચેતનમાં એના પ્રતિધ્વનિ પડી રહ્યા છે. કાળ એની અમરતાનો અંત નથી આણી શકે એમ. જે જે અસુંદર અને સુંદર, મંગલ અને અમંગલ, પ્રકટ કે અપ્રકટ છે, તે બધું જ તારી કળાની કમનીય કૃતિરૂપ છે. મારી કૃતિ એની બરાબરી નથી કરી શકે તેમ.

એનો આસ્વાદ લઈને મોટામોટા મુનિવરો પણ મુગ્ધ બને છે. પંડિત ને વૈરાગી પણ રાગી થઈને એના રસમાં રંગાય છે. સાધારણ લોકોનું તો કહેવું જ શું ?

મારા મંગલમય મહાકવિ ! તારી વિરાટ વિશ્વકવિતાની બરાબરી કરોડો કવિની કવિતાયે નથી કરી શકે તેમ.

તોપણ, મારી સાધારણ કવિતાથી તું મુગ્ધ બને છે, મોહિત થાય છે, ને ભાવવિભોર બનીને મારે માટે તારું સર્વકાંઈ વારી જાય છે, એ આશ્ચર્ય નથી શું ? તારી કવિતામાં જે તને મળતું તે મારી કવિતામાં મળી રહે છે. એ જ મારી કવિતાની વિશેષતા, સિદ્ધિ, સાર્થકતા છે.

(૨૦-૫-૧૯૬૦, શુક્રવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)