Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પર્વતીય પ્રદેશમાંથી પસાર થતા ઝરણામાં પંખી પાંખ ફફડાવીને નાહવા પડેલાં. પાણીમાં ચાંચને મારીને એ કેલિ કરતાં, પાણી પીતાં, કિલ્લોલ કરતાં.

એક પંખી બોલી ઊઠ્યું, ‘પ્યારા ઝરણ, અમારી ચાંચ ને પાંખની પીડા તને નથી થતી ? અમારા આટલા બધા તોફાન સામે તું આટલું બધું શાંત ને સંવાદી બનીને કેવી રીતે વહ્યા કરે છે ?’

ઝરણે જવાબ દીધો, ‘મારા અંતરમાં જે સનાતન સ્નેહનો અખૂટ ભંડાર છે એનું જ એ પરિણામ છે. એ સ્નેહને મેં કેવળ તમારી નહિ, સમસ્ત સંસારની સેવા સારુ વહેતો મૂક્યો છે. યુગોથી હું આમ જ વહ્યા કરું છું. જેના ઉદરમાંથી મારો ઉગમ થયો છે તે પ્રચંડ પર્વત પાસેથી જ મને સેવાનો મંત્ર વારસામાં મળ્યો છે.’

એટલીવારમાં તો પાસે વૃક્ષની શીતળ છાયામાં બેઠેલું બાળક માતાની ચીમટીથી રોઈ ઊઠ્યું. સ્તનપાન કરતાં તેણે માતાને બટકું ભરેલું.

પંખી એ સાંભળીને શાંત થઈ ગયાં.

(૨૩-૫-૧૯૬૦, સોમવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)