Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મંદિરના ઘંટ વાગે છે ને મારા હૃદયની વીણા વાગી ઊઠે છે. એમાં જાતજાતની રાગરાગિણી જાગી ઊઠે છે. મંદિરના ઘંટ વાગે છે ને મારી હૃદયવીણા વાગી ઊઠે છે.

મંદિરને મંગલમય કરવા, એની અંદરના દેવતાને સજાવવા તથા રાજી કરવા પૂજારી ને પ્રેમી કેટકેટલા પ્રયાસ કરે છે ! એને માટે કેટકેટલા ધન ને વૈભવને વેરે છે ! પણ આ દેવમંદિરથીયે વધારે મહિમાવાળું માનવમંદિર સૂનું છે. એમાં નથી ધૂપ કે નથી દીપ. નથી પ્રસાદ કે નથી ગીત. આ મંદિરમાં પણ દેવતા છે, સૌને સહજ એવા દૈવી દેવતા છે. પરંતુ એની આગળ છે ધૂળ, મેલ, લાંબા વખતનાં અત્યંત ગાઢ એવાં આવરણ. એ મંદિરમાં નથી સુખ કે નથી શાંતિ. એની સ્થિરતાનો નાશ થયો છે, એના ઉત્સવોનો અંત આવ્યો છે.

અરે, કોઈ પ્રેમી ને પૂજારી આવો, આ મંદિરનો જીર્ણોદ્ધાર, આ દેવતાનો પુનરુદ્ધાર કરો ! એના ગૌરવનાં ગીત કરો, એને પ્રસાદ તથા આરતી ધરો ! એ રીતે સમસ્ત સંસારના મંદિરને મંગલમય કરો, સુગંધે ભરો !

મંદિરના ઘંટ વાગે છે ને મારા હૃદયની વીણા વાગી ઊઠે છે. એમાં આવી અનેકાનેક રાગરાગિણી જાગી ઊઠે છે.

મંદિરના ઘંટ વાગે છે ને મારી હૃદયવીણા વાગી ઊઠે છે.

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)