Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શ્રાવણની સમીસાંજે પંખી પોતાના માળાની મુલાકાત લેવા વિદાય થઈ રહ્યાં હતાં, વ્યોમના વિતાન પર ચંદ્ર ને શુક્રતારિકા શોભી રહ્યાં હતાં, ત્યારે મારી મુલાકાત લઈને તે મને પૂછવા માંડ્યા, ‘તમારી જન્મભૂમિ કયી છે, તમારાં માતાપિતા કોણ છે, તમારે કોની સાથે લોહીનો સંબંધ છે ?’

મેં તેમને શાંતિથી ઉત્તર આપ્યો, ‘આ વિશાળ જગત મારી જન્મભૂમિ છે. પ્રકૃતિ મારી માતા, પરમ પુરૂષ પરમાત્મા મારા પિતા. મારા જ નહિ, સૌનાયે એ માતાપિતા છે. જીવમાત્રની જન્મભૂમિ જગત છે. તેથી, મનુષ્ય જ નહિ પણ જીવમાત્રની સાથે મારો લોહીનો સંબંધ છે. સંસારમાં જડ કે ચેતન જે કાંઈ દેખાય અથવા અનુભવાય છે, તેમની સાથે મારી સ્નેહની સગાઈ છે.’

તેમણે કહ્યું, ‘તમારી વાત તો નવી લાગે છે. અમારાં પુસ્તકો અને અમારા પંડિતોએ એ નથી શીખવી.’

એ વિચારમગ્ન બનીને વિદાય થયા.

(૨૬-૫-૧૯૬૦, ગુરૂવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)