શા માટે ફૂલ ને નૈવેદ્યની તૈયારી કરે છે પૂજારી ? શા માટે પ્રાર્થના, પૂજા, આરતીનો આડંબર ? શંખના નાદ, મૃદંગના ગગડાટ, શરણાઈના સૂર, દીપકમાળાનાં નૂર, કોને માટે છે ? કયા દેવને માટે છે આ બધી આરાધના ?
તારી પોતાની અંદર દેવ બેઠો છે તેને તો જરીક જો ! તેના તરફ તો નેહથી નીતરતી નજર કરી જો ! તારી આજુબાજુ ફરતાં, તારી કૃપાદૃષ્ટિની કામના કરતાં, અસંખ્ય માનવોના મંદિરમાં પણ જરા ડોકિયું તો કરી લે ! એમાં વિરાજેલા દેવોના યે દેવ તારી આરાધનાથી અતીત છે.
મહીમંડલને મંગલ કરનારા માનવમંદિરનો પૂજારી થા. આવ, એ મંદિરને સુંદર, સ્વચ્છ, સુશોભિત કરીએ, એને ચરણે સ્નેહનું સનાતન સંગીત ધરીએ. દૂરના દેવની સેવાપૂજામાં પાસેના દેવની વિસ્મૃતિ ના થવા દઈએ, અવજ્ઞા ના કરીએ.
(૮-૬-૧૯૬૦, બુધવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

