Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઊંચાઊંચા પર્વત પર જ્યાં જોઈએ ત્યાં ધુમ્મસના ગોટેગોટા છવાઈ ગયા છે. આરપાર જોઈ ના શકાય એવું વાતાવરણ છે. સવારનો સમય છે છતાં પણ બધે અંધારપડદો પડી ગયો છે.

કુદરતની કળા તો જુઓ ! થોડીવારમાં તો આવરણ અળગું થઈ જાય છે, ને સૂરજનાં સોનેરી કિરણ બધે ફરી વળે છે. અંધકારને ઠેકાણે પ્રકાશનો પડદો પડે છે.

આ બધું જોઈને મને થાય છે કે તમારે માટે કાંઈપણ અશક્ય નથી, મારા પ્રભુ ! આંખ અને અંતરની આગળનાં અંધારાં આવરણોને અળગાં કરો, પ્રાણમાં પ્રકાશ ભરો ! અવનીમાં પણ જ્યાં જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ કરો, સંજીવન ધરો. તમારે માટે કાંઈ જ મુશ્કેલ નથી, મારા પ્રભુ ! માટે જ મારાથી આવી સહજ પ્રાર્થના થઈ જાય છે.

(૨૭-૬-૧૯૬૦, સોમવાર, મસુરી)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)