એ દિવસે પેલા વૃદ્ધ, ઠંડીથી થથરતા ભિખારીને એણે કઠોર વચન કહ્યાં, એના બદલામાં એણે ‘માફ કરજો’ કહીને મારી સામે જોયું ત્યારે, એની આંખમાં વ્યાપેલા, એની વાણીમાં વહી રહેલા ઈશ્વરનું મેં દર્શન કર્યું; દેવોના દેવ ઈશ્વરનું દર્શન કર્યું.
અત્યંત ઉત્સાહે ઉભરાઈને પેલો બાળક મને ભેટી પડ્યો, કાલીઘેલી ભાષામાં કાંઈક કહેવા માંડ્યો, ત્યારે, એના સુધામય, સરળ, સુંવાળા સ્પર્શમાં ને સંગીતમય સ્વરમાં મેં એનું દર્શન કર્યું; દેવોના દેવ ઈશ્વરનું દર્શન કર્યું.
ફૂલ, ફુવારા, પંખીની સુરાવલિથી સભર ઉપવનમાં મને એનું સિંહાસન મળ્યું. સંગ્રહસ્થાનની મુલાકાત લીધી ત્યારે, પેલું બંદી બનેલું હરણ મારી પાસે આવીને દયાની ભિક્ષા માગતું ઊભું રહ્યું ત્યારે, એની કરુણાથી અંજાયેલી આંખમાં મને એનું સ્નાનાગાર જડ્યું.
કતલખાને લઈ જવાતા પશુઓએ મારી તરફ જોયું ત્યારે એમની નિર્દોષ નજરમાં મને એ જ સૃષ્ટિસ્વામીનું દર્શન થયું.
ખરે બપોરે પેલા પ્રસ્વેદમાં નાહતા ખેડૂતની મુખાકૃતિમાં, પેલાં માયાળુ ગરીબોની મઢૂલીમાં, મને એનું જ વિશ્રામસ્થાન મળ્યું.
આ અનેરી અવનીમાં નજર નાખી ત્યાં બધે જ, ડગલે ને પગલે, એ જ દયાનિધિનું દર્શન થયું; દેવોના દેવ ઈશ્વરનું દર્શન થયું.
(૨૯-૬-૧૯૬૦, બુધવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

