if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહિમા : કૈલાસ માનસરોવરનું નામ સાંભળતાં જ ભગવાન શંકર તથા પાર્વતીનું સ્મરણ થઈ આવે છે. યોગીઓના યોગી, ત્યાગીશિરોમણિ ભગવાન શંકરને કૈલાસપતિ પણ કહેવામાં આવે છે. કૈલાસના ઠંડા પ્રદેશમાં સમર્થ યોગી વિના બીજું કોણ રહી શકે ? ભાગવતના ચોથા સ્કંધના છઠ્ઠા અધ્યાયમાં કરાયેલું કૈલાસ-વર્ણન વાંચવા જેવું છે.

"દેવતાઓને એ પ્રમાણે કહીને બ્રહ્માજી એમને, પ્રજાપતિઓને તથા પિતરોને લઈને પોતાના લોકમાંથી ભગવાન શંકરના પ્રિય ધામ પર્વતશ્રેષ્ઠ કૈલાસ પર ગયા. એ કૈલાસ પર ઔષધિ, તપ, મંત્ર તથા યોગ દ્વારા સિદ્ધ બનેલા દેવતા નિત્યનિવાસ કરે છે, તથા ત્યાં કિન્નર, ગંધર્વ, અપ્સરાદિનો વાસ છે. એનાં મણિમય શિખરો જુદીજુદી ધાતુઓને લીધે રંગબેરંગી લાગે છે. એના પર છવાયેલાં વૃક્ષો અને લતાઓમાં ભાતભાતનાં જંગલી જનાવરો ફર્યા કરે છે. ત્યાં પવિત્ર જલપ્રવાહો વહ્યા કરે છે. ઊંચી ખીણો ને ઉત્તુંગ શિખરોને લીધે એ પર્વત, પોતાના પ્રિયતમો સાથે વિહાર કરતી સિદ્ધપત્નીઓનું ક્રીડાસ્થાન બન્યો છે. એની ચારે બાજુનો વિસ્તાર મોરના સ્વર, મદાંધ ભ્રમરના ગુંજાર, કોયલના ટહુકાર તથા બીજાં પક્ષીઓના કર્ણમધુર કલરવથી ગાજી રહ્યો છે. એના પરનાં કલ્પવૃક્ષ પોતાની ડાળીઓને હલાવી હલાવીને પંખીઓને નિમંત્ર્યા કરે છે. એ પર્વત ત્યાંના હાથીઓના હલનચલનને લીધે હાલતો, ને ઝરણાંના સ્વરથી જાણે કે વાતો કરતો લાગે છે."

"મંદાર, પારિજાત, સરલ, તમાલ, શાલ, તાડ અને અર્જુન વૃક્ષોથી એ પર્વત સુશોભિત લાગે છે. એનાં સરોવરોમાં કુમુદ, ઉત્પલ, કલ્હાર અને શતપત્ર જેવાં બધી જાતનાં કમળ જોવા મળે છે. એની ચારે તરફ નંદા નામે નદી છે, જેનું પવિત્ર પાણી પાર્વતીના સ્નાનને લીધે વિશેષ પવિત્ર ને સુવાસિત બનેલું છે. ત્યાં અલકા નામની એક સુરમ્ય નગરી તથા સૌગન્ધિક વનને પણ દેવતાઓ જોઈ શક્યા. તે વનમાં બધે સુગંધ ફેલાવનારાં સૌગન્ધિક કમળ ખીલેલાં હતાં. ભગવાન ભૂતનાથના નિવાસસ્થાન કૈલાસપર્વતની એવી રમણીયતા જોઈને દેવતાઓને ભારે નવાઈ લાગી."

શ્રીમદ્દ ભાગવતના એ કથન પ્રમાણે, દેવતાઓને તો નવાઈ જરૂર લાગી હશે, પરંતુ આપણને પણ કૈલાસનું એ વર્ણન વાંચીને આશ્ચર્ય સાથે આનંદ થાય છે. એવા સુંદર કૈલાસધામની યાત્રા કરવાનું મન કોને ના થાય ? ત્યાંના સરસ માનસરોવરના સંબંધમાં વાલ્મીકિ રામાયણના બાલકાંડમાં વિશ્વામિત્રના મુખે કહેવામાં આવ્યું છે કે -

कैलासपर्वते राम मनसा निर्मितं परम् ।
ब्रह्मणा नरशार्दूल तेनेदं मानसं सरः ॥

વિશ્વામિત્રે કહ્યું : "હે મનુષ્યોમાં સિંહ સમાન રામ, કૈલાસ પર્વત પર બ્રહ્માજીની ઈચ્છાથી તૈયાર થયેલું એક સરોવર છે, જે મનથી નિર્મિત થયું હોવાથી માનસરોવર નામે ઓળખાય છે."

કૈલાસ માનસરોવરના એ અલૌકિક મહિમાવાળા પવિત્ર પ્રદેશનો પુણ્યપ્રવાસ કરવાની ઈચ્છા પ્રત્યેક સ્ત્રીપુરુષના મનમાં પેદા થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ હકીકત લક્ષમાં લેવા જેવી છે કે, એ પ્રવાસ ધાર્યા જેટલો સહેલો નથી. હિમાલયના પર્વતીય પ્રદેશની યાત્રાઓમાં એ યાત્રા સૌથી કપરી ને લાંબી છે એમ કહીએ તો ચાલે. તેને માટે તૈયારી પણ સારી એવી કરવી પડે છે. મનોબળને મજબૂત કરીને ઉત્સાહ, હિંમત, ધીરજ ને સહનશક્તિ તો વધારવાં જ પડે છે, પરંતુ બીજી કેટલીક સામગ્રી પણ તૈયાર કરવી પડે છે, પર્વતીય પ્રદેશના પ્રવાસના લેશ પણ અનુભવ વિના, સૌથી પહેલાં સીધા કૈલાસ માનસરોવરની યાત્રાએ નીકળી પડવું તેના કરતાં પહેલાં બદરી-કેદારની યાત્રાનો અને ગંગાત્રી-જમનોત્રી તથા અમરનાથની યાત્રાનો અનુભવ લેવો આવશ્યક છે. કેમ કે, તેથી પર્વતીય મુશ્કેલીઓનો ખ્યાલ આવે છે, એથી ટેવાતાં આવડે છે, ને પરિણામે તે પછીની બીજી કઠિન યાત્રા સહેલી બને છે.

યાત્રાની તૈયારી : એક વખત એવો પણ હતો કે જ્યારે કૈલાસ માનસરોવરની યાત્રા લગભગ અશક્ય જેવી મનાતી, અને કોઈક વિરક્ત સાધુપુરુષો જ એનો લાભ લેતા. તિબેટમાં લૂંટાવાનો અને જાન ખોવાનો એમ બંને જાતનો ભય રહેતો. વાહનવ્યવહારનાં બીજાં સાધનોનો પણ સર્વથા અભાવ હતો. પરંતુ વખતના વીતવાની સાથે પરિસ્થિતિ પલટાતી ગઈ, ને પછી તો એ યાત્રા પ્રમાણમાં સહેલી થઈ. એને માટે ખાસ વ્યવસ્થિત મંડળીઓ પણ નીકળવા માંડી, ને માર્ગદર્શકો પણ મળવા માંડ્યા. તોપણ એ બીજી પર્વતીય યાત્રા કરતાં વધારે વિકટ તો છે જ. હમણાં તો છેલ્લા કેટલાક વખતથી રાજકીય પરિસ્થિતિને લીધે એ યાત્રા લગભગ બંધ જેવી થઈ ગઈ છે, અને ઘણી જોખમકારક બની છે. એ પરિસ્થિતિ જ્યારે સુધરે ત્યારે ખરી; પરંતુ એટલું તો સાચું કે પ્રત્યેક ભાવિક ભારતવાસીઓના પૂજ્ય દેવ હોવાથી, એમના એ અલૌકિક આવાસના દર્શનની ભાવના સૌ કોઈ સ્વાભાવિક જ સેવતા હોય છે.

કૈલાસ માનસરોવરની યાત્રામાં સારા સાથની ઘણી આવશ્યકતા છે. એ યાત્રા એકસરખી રુચિવાળાં માણસોની સાથે કરવામાં આવે તો ઘણો લાભ થાય છે અને રાહત રહે છે. મંડળી સાથે મોટે ભાગે કોઈ ને કોઈ સાધુસંતને રાખવાની પરિપાટી ચાલી આવે છે. કેટલાંય લોકો તેનું પાલન કરતાં દેખાય છે. તેના કારણમાં એવું કહેવામાં આવે છે કે, તિબેટમાં લોકો સામાન્ય રીતે યાત્રીઓને લૂંટી લે છે, પરંતુ યાત્રામંડળી સાથે કોઈ સાધુસંત હોય છે તો તેઓ તે મંડળીના સભ્યોને નથી લૂંટતા. સાધુસંતો પ્રત્યે એમને પુષ્કળ પ્રેમ ને પૂજ્યભાવ હોવાથી જ એવું બનતું હોય છે. જેમને તિબેટવાસીઓના એ સ્વભાવની ખબર હોય છે તેઓ કોઈક સાધુસંતને સાથે લઈને જ યાત્રા કરે છે.

માર્ગો : કૈલાસ માનસરોવર જવાના ઘણા માર્ગો છે. એમાં કાશ્મીરમાં લડાખ થઈને જતો માર્ગ, નેપાલમાં મુક્તિનાથ થઈને જતો માર્ગ, તથા ગંગોત્રીમાંથી જતા માર્ગની ગણતરી પણ કરી શકાય છે. છેલ્લે ગણાવેલો માર્ગ ભારે વિકટ છે, નિર્જન છે, ને બરફથી આચ્છાદિત ભીષણ પર્વતોના ચઢાણવાળો છે. કોઈ હિંમતવાળા સાધુસંતો કે એ બાજુના નિવાસીઓ એ માર્ગનો આધાર લઈને જાય એ જુદી વાત છે, બાકી સામાન્ય યાત્રીઓ માટે તો ઉત્તર ભારતના ત્રણ માર્ગો જ શેષ રહે છે, અને એ ત્રણે માર્ગોમાંથી કોઈ એક માર્ગે આગળ વધી શકાય છે. સૌથી પહેલો માર્ગ, કાઠગોદામથી મોટર દ્વારા અલ્મોડા જઈને ત્યાંથી આગળનો માર્ગ પકડવાનો છે. બીજો માર્ગ, કનકપુર સ્ટેશનથી મોટર દ્વારા પિથૌરાગઢ જઈને પગપાળા આગળ જવાનો માર્ગ છે. ત્રીજો માર્ગ બદરીનાથ તરફથી નીતીઘાટમાંથી પસાર થઈને આગળ જતો માર્ગ છે. એ ત્રણે માર્ગોમાંથી મોટા ભાગના યાત્રીઓ અલ્મોડા થઈને જવાનું વધારે પસંદ કરે છે.

એ ત્રણે માર્ગે જનારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી પડે છે. એ માર્ગે જતાં ભારતની હદમાં જે છેલ્લું સ્થળ આવે છે ત્યાં સુધી તો ધર્મશાળા, ભોજનની સામગ્રી, વાસણ જેવી ઉપયોગી વસ્તુઓ સહેલાઈથી મળી રહે છે, પરંતુ ત્યાંથી આગળ વધ્યા પછી તિબેટમાં એમાંનું કશું જ નથી મળતું. એટલા માટે ભારતીય હદના એ અંતિમ સ્થાનેથી રસ્તા માટે તંબુ, રસોઈ બનાવવાનાં વાસણ, પાછા આવતાં સુધીનું સીધું, ખાંડ, ચા, દૂધના તૈયાર ડબા, ગ્યાસતેલ, મસાલા, ફાનસ, મીણબત્તી, બટાટા એવી બધી જરૂરી સામગ્રી સાથે લઈ લેવી પડે છે. યાત્રામાં સરળતા ખાતર તિબ્બતી ભાષા જાણનાર ગાઈડ કે ભોમિયો પણ ત્યાંથી જ સાથે લેવો પડે છે. નીતીઘાટ સિવાયના બીજા બે માર્ગોની યાત્રા માટે મળતાં ખચ્ચર, ઘોડા, મજૂર વગેરે વચ્ચેવચ્ચે બદલવાં પડે છે. કેમ કે તે પૂરી યાત્રા માટે સળંગ નથી મળતાં. તિબેટમાં મોટે ભાગે સામાન ઊંચકવા તથા સવારી માટે યાકનો ઉપયોગ કરવો પડે છે.

જરૂરી સૂચનો : કૈલાસયાત્રા મોટે ભાગે જૂનની મધ્યમાં કે આખરે શરૂ થાય છે. હવે તો અલ્મોડાથી મોટર દ્વારા સોમેશ્વર, ગરુડ, બાગેશ્વર તથા કપકોટ જવાય છે. કાઠગોદામથી તે ૧3८ માઈલ દૂર છે. કૈલાસયાત્રામાં દોઢથી બે મહિના લાગે છે, તથા ઠંડીનો પણ સારો એવો સામનો કરવો પડે છે. એ ઉપરાંત રસ્તામાં વરસાદ પડવાનો પણ સંભવ રહે છે. એટલે એનાથી બચવા માટેનાં સાધનો પણ સાથે રાખવાં પડે છે. પર્વતીય યાત્રામાં બીજી પણ અમુક વસ્તુઓ લેવી જ પડે છે. જેવી કે ગરમ કપડાં, સ્વેટર; માથાના રક્ષણ માટે મફલર કે ગરમ ટોપી, હાથપગનાં મોજાં, છત્રી, વરસાદી કોટ કે ટોપી, બરફ કે પથ્થર પર ચાલવા માટે રબરના જાડા તળિયાવાળા જોડા, લાકડી, વરસાદમાં ભીંજાય નહિ તેવું સામાન પર વીંટવા કામ લાગે તેવું મીણીયું, ઓઢવાના જાડા ગરમ કામળા, ઠંડીમાં ચામડી ફાટે ત્યારે લગાડવા માટે વેસેલીન, બેટરી, કામચલાઉ દવાઓ, સ્ટવ, શેતરંજી અથવા નાનાં આસન.

પર્વતની યાત્રા દરમિયાન પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે ગમે ત્યાં ગમે તેવું પાણી પીવાથી નુકસાન થાય છે. દૂરથી વહી આવતાં પાણીનાં ઝરણાં પોતાની સાથે ભાતભાતની વનસ્પતિઓની અસરો તથા ગંદકીને લઈને આવતાં હોય છે. સ્વાસ્થ્ય માટે એમનું એવું પાણી ખૂબ જ હાનિકારક થઈ પડે છે. એટલે જે પાણી તદ્દન પાસેથી નીકળતું હોય તેનો જ ઉપયોગ કરવો અને એ પણ ગરમ કરીને કે ગાળીને, એ વાત યાત્રીઓએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ખાલી પેટે વધારે પાણી ના પિવાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

બરફના પ્રદેશમાં ચાલવાનું થાય ત્યારે શરીરના રક્ષણ માટે મોઢા પર તથા હાથે વેસેલીન લગાડવાથી ઘણી રાહત રહે છે. તે ઉપરાંત, સૂર્યોદય પછી તાપ પ્રખર થતાં બરફ નરમ થઈ જાય છે, એટલે સવારે બરફ પરથી પસાર થવાનું હોય ત્યારે જેટલો પણ વહેલો પ્રવાસ શરૂ કરી શકાય તેટલો વહેલો શરૂ કરવો વધુ સરળ ને સલામત રહે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.