અજાણ્યા યાત્રીઓ પહેલીવાર હરિદ્વાર આવે છે ત્યારે તેમની પ્રતિક્રિયા કેવી હોય છે ? હરિદ્વારની ધરતી પર પગ મૂકતાંવેંત, આધુનિક સંસારથી અલિપ્ત એવી કોઈ સ્વર્ગીય ભૂમિમાં પ્રવેશ કર્યાનો એમને સુખાનુભવ થાય છે. હરિદ્વારનું દર્શન કરીને એમને લાગે છે કે જાણે જુદી ને વધારે સારી દુનિયામાં આવી પહોંચ્યા. શિયાળાનો સવારનો સમય હોય તો હિમાલયના પર્વતીય પ્રદેશમાંથી પતિતપાવની ગંગાના સ્પર્શ સાથે આવતો ઠંડો પવન એમનો સત્કાર કરે છે; ઉનાળો હોય તો તાપને દૂર કરીને તાજગી ભરે છે; ને ચોમાસુ હોય તો તન-મનને પુલકિત કરે છે. હરિદ્વાર એટલે હિમાલયનું પ્રવેશદ્વાર. ત્યાં આવનાર અપરિચિત પ્રવાસીને હિમાલયના બરફવાળા ઊંચાઊંચા પર્વતોનું તથા ગંગાનું દર્શન કરવાની તત્પરતા હોય છે. ગંગાનું દર્શન કરવાની એની ઈચ્છા તો સંતોષાય છે, પરંતુ હિમાલયના બરફવાળા ઊંચા પર્વતોનું દર્શન એને નથી થતું. એવા પર્વતો તો હિમાલયના પાવન, તપઃપૂત પ્રદેશમાં ઘણે દૂર અને એ પણ ઊંચાઈવાળી જગ્યાઓએ પહોંચ્યા પછી જ જોવા મળે છે. હરિદ્વારમાં જેનું દર્શન થાય છે તે તો તદ્દન સાધારણ, નાની સરખી, ઝાડપાનથી છવાયેલી ડુંગરમાળા છે. છતાં પણ એને જોઈને પ્રત્યેક પ્રવાસીનું અંતર એક જાતના ઊંડા, અનેરા, અવર્ણનીય આનંદનો અનુભવ કરે છે. હિમાલયની દૈવી ભૂમિમાં આવવાની ને પતિતપાવની ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા લગભગ પ્રત્યેક ધર્મપ્રેમી ભારતવાસીના દિલમાં પેદા થતી હોય છે. અહીં આવવાથી તે પૂરી થાય છે.
હરિદ્વારમાં ઊતરવા માટેની ધર્મશાળાઓ ઘણી છે. ગુજરાતી ભવન, રમા ભવન જેવી ગુજરાતી ધર્મશાળાઓ પણ છે. તે ઉપરાંત, મારવાડી ધર્મશાળા, ભાટિયા ભવન, ગીતા ભવન, જેવી બીજી ધર્મશાળાઓ પણ છે.
હરિદ્વારનું મુખ્ય સ્થાન ‘હરકી પૈડી’ છે. યાત્રીઓ મોટે ભાગે ગંગાસ્નાન કરવા માટે ત્યાં જ જતા હોય છે. ત્યાં ગંગા પર સુંદર પાકા ઘાટ બાંધેલા છે. ગંગાનું દૃશ્ય ત્યાં એટલું બધું આકર્ષક અને સુંદર છે કે વાત ન પૂછો. ગંગાનો પ્રવાહ ત્યાં ઘણો ધીમો છતાં વિશાળ છે. એના પર બાંધેલા પુલ પરથી પસાર થઈને સામે કિનારે જઈએ છીએ તો ગંગાના તટ પર હારબંધ ઊભેલા મોટાં મકાનો જોઈને આપણું અંતર નાચી ઊઠે છે. એ દૃશ્ય એકદમ અસાધારણ અને અત્યંત આનંદદાયક છે. હરકી પૈડીને ‘ગંગાદ્વાર’ પણ કહેવામાં આવે છે. ત્યાં એકઠા થયેલા ગંગામાં સ્નાન કરે છે. હરિકી પૈડી પરનું આખુંયે દૃશ્ય અદ્દભુત હોય છે. કોઈ ગંગામાં સ્નાન કરે છે, સંકલ્પ કરે છે, અંજલિ યા અર્ઘ્ય ધરે છે, મંત્રોચ્ચાર કરે છે, તો કોઈ કિનારા પર બેસીને પાઠપૂજા, શ્રાદ્ધ કે બીજી કોઈ ધાર્મિક ક્રિયાઓ કરતા નજરે પડે છે. ત્યાં ભારતના જુદાજુદા પ્રાંતના, ભિન્ન ભાષા તથા વેશવાળા લોકો એક જ ધર્મભાવનાના આશ્રય નીચે એકઠા મળે છે. અંતરંગ સાંસ્કૃતિક એકતાનું ત્યાં દર્શન થાય છે.
ભાવિક સ્ત્રીપુરુષો વહેલી સવારથી જ ગંગાસ્નાન કરીને પાવન થવાના ઉદ્દેશથી હરિકી પૈડી આગળ એકઠા થાય છે; પરંતું સાંજે તો એનો દેખાવ ઘણો અદ્દભુત અને આનંદદાયક બની જાય છે. ગંગાતટ પરના વિશાળ ઘાટ પર જુદા જુદા કથાકારો અથવા ઉપદેશકો કથા કરતા કે ઉપદેશ આપતા બેસી જાય છે, ને દરેકને પોતપોતાના પ્રમાણમાં શ્રોતાઓ મળી રહે છે. સંધ્યા સમયે ઘાટ પર દર્શનાર્થીઓના ટોળેટોળાં એકઠા થાય છે. જાણે કે મોટો માનવમેળો ભરાયો હોય એવો દેખાવ ઉપસ્થિત થાય છે. સંધ્યા પણ પોતાના ગુલાબી રતૂમડાં રંગો સાથે ગંગામાં સ્નાન કરવા માટે ઊતરી પડે છે. એ વખતે હરિકી પૈડી પર થતી ગંગાજીની આરતી જીવનમાં જે એકવાર પણ જોઈ લે છે તે એથી મુગ્ધ થઈને એને અવારનવાર યાદ કર્યા જ કરે છે. હજારો લોકો એનો અનેરો આનંદ લૂંટતા ચારે તરફ ઊભા રહે છે. આરતી પછી ગંગાના પ્રશાંત તટ પર બેસીને ઋષિકુળ અથવા સંસ્કૃત વિદ્યાલયના બાળકો સુમધુર સ્વરે મંત્રોચ્ચાર તથા સ્તુતિ કરે છે. એ દૃશ્ય કાયમને માટે યાદગાર બની જાય છે. હરિકી પૈડી પર બિરલાએ બંધાવેલું ટાવર સુંદરતામાં વધારો કરે છે.
હરિદ્વારનું પ્રાચીન નામ ‘માયાપુરી’ છે. શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ એ જ નામથી કરાયેલો જોવા મળે છે. સાત મોક્ષદાયિની પુરીઓમાં એની ગણના કરવામાં આવી છે, અને કુંભમેળા માટે પણ એની પુરાણકાળથી પસંદગી થઈ છે. હિમાલયના તપઃપૂત પવિત્ર પ્રદેશમાં આવવા માટે હરિદ્વાર આવવું જ પડે છે. વરસો પહેલાં ત્યાં ઘોર જંગલ હશે, અને એકાંતપ્રેમી, પરમાત્માપરાયણ, તપસ્વી પુરુષો નિવાસ કરતા હશે, પરંતુ વખતના વીતવાની સાથે આજે ત્યાં આધુનિક સુખસામગ્રીથી સજ્જ એક સ્વચ્છ સુંદર શહેર થયું છે. ત્યાં અસંખ્ય મઠો અને આશ્રમો છે. અને હજુ બીજા નવાનું નિર્માણ થતું જાય છે.
હરિદ્વારને હરદ્વાર, ગંગાદ્વાર તથા કુશાવર્ત પણ કહેવામાં આવે છે. દિલ્હીથી મોટર તથા ટ્રેન બંને દ્વારા ત્યાં જઈ શકાય છે. શ્રીમદ્દ ભાગવતના રસિકોને ખબર હશે કે અજામિલે પાછલી અવસ્થામાં સર્વત્યાગ કરી, આત્મિક કલ્યાણની કામનાથી પ્રેરાઈને ત્યાં જ નિવાસ કરેલો ને તપ દ્વારા પરમશાંતિની પ્રાપ્તિ કરેલી. સપ્તર્ષિઓએ દેવર્ષિ નારદજીને તથા મૈત્રેયે વિદુરજીને ભાગવતની કથા એ જ સ્થાનમાં સંભળાવેલી. એ ઉપરાંત, અધ્યાત્મમાર્ગના અનેક આરાધકોએ અહીં રહીને શાંતિ ને સિદ્ધિ મેળવી હશે, એમનો વ્યવસ્થિત ઈતિહાસ કોણે લખ્યો છે ? કહે છે કે યોગી ભર્તુહરિએ અહીં જ તપસ્યા કરીને શાંતિ મેળવેલી. એમના ‘વૈરાગ્યશતક’ પરથી એમના કાશીવાસની તથા હિમાલયવાસની પુષ્ટિ મળે છે. એમણે લખ્યું છે :
गंगातरगंकणशीकरशीतलानि
विद्याधराध्युषितचारुशीलातलानि ।
स्थानानि किं हिमवतः प्रलयं गतानि
यत्सावमानपरपिण्डरता मनुष्याः ॥
“ગંગાના તરંગોના બિંદુઓ પડવાથી શીતળ થયેલાં, મોરથી સુશોભિત સુંદર પથ્થરના આસનવાળાં હિમાલયના સ્થાનોનો શું નાશ થયો છે કે માણસો અપમાનપૂર્વક બીજાના અન્નને આરોગવામાં આનંદે છે ?”
હરિકી પૈડીનાં જે પગથિયાં છે તે પગથિયાં તથા તેની પાસેનો કુંડ ‘બ્રહ્મકુંડ’ ભર્તુહરિના ભાઈ રાજા વિક્રમાદિત્યે બનાવેલો કહેવાય છે. એ કુંડમાં ગંગાની ધારા એક બાજુથી આવીને બીજી બાજુથી નીકળી જાય છે, તેથી કુંડનું પાણી સાફ રહે છે તથા કુંડમાં કમર સુધીનું પાણી જોવા મળે છે. એની આજુબાજુ વિષ્ણુચરણપાદુકા, મનસાદેવી, સાક્ષીશ્વર તથા ગંગાધર મહાદેવનાં મંદિરો અને રાજા માનસિંહની છત્રી છે.
બ્રહ્મકુંડ વિશે એક બીજી વાત પણ પંડાઓ તરફથી જાણવા મળે છે. ભગીરથે ગંગાને મૃત્યુલોકમાં આણી તે પછી શ્વેત રાજાએ એ જ સ્થળ પર રહીને બ્રહ્માની આરાધના કરી. બ્રહ્માએ પ્રસન્ન થઈને રાજાને વરદાન માગવા કહ્યું તો રાજાએ માગ્યું : “આ સ્થળ તમારા નામથી પ્રસિદ્ધ થાય, અહીં ભગવાન વિષ્ણુ તથા શંકર નિવાસ કરે, તેમ જ અહીં બધા તીર્થોનો વાસ થાય.” બ્રહ્માએ રાજાની માગણી મંજૂર રાખી, ત્યારથી એ કુંડ ‘બ્રહ્મકુંડ’ના નામથી ઓળખાયો.
હરિદ્વારના બીજાં જોવા જેવાં સ્થળોમાં ગૌઘાટ, કુશાવર્તઘાટ, નીલધારા, ચંડીદેવી, ભીમગોડા, સપ્તસરોવર, બિલ્કવેશ્વર મહાદેવ તથા રામઘાટ મુખ્ય છે.