કેદારનાથ : ગૌરીકુંડથી રામવાડા થઈને કેદારનાથની પુણ્યમયી ભૂમિમાં પ્રવેશ કરતી વખતે અંતર એક પ્રકારના ઉત્કટ, અવર્ણનીય આનંદનો અનુભવ કરે છે. ભાવિક સ્ત્રીપુરુષ ‘કેદારનાથ ભગવાન કી જય’, ‘શંકર ભગવાન કી જય’ના બુલંદ પોકારો પાડતાં આગળ વધે છે. કેદારનાથના પ્રદેશના લીલાછમ ઘાસવાળા પર્વતો ઘણા રમણીય લાગે છે, આંખ અને અંતરને આનંદ આપે છે. રસ્તામાં પર્વતો પરથી મોટામોટા ધોધ પડતા દેખાય છે. ગુલાબના ફોરમવંતા ફૂલો જોવા મળે છે. બીજાં પણ અનેક રંગબેરંગી ફૂલોનું દર્શન થાય છે. કેદારનાથના બરફથી ઢંકાયેલા પર્વતોનું દર્શન માર્ગમાં થોડેક દૂરથી થાય છે ત્યારે પ્રવાસનો બધો પરિશ્રમ સફળ થયેલો લાગે છે. એમાંય જ્યારે એ હિમાચ્છાદિત શિખરો પર સૂર્યકિરણો અથવા ચાંદની ફરી વળે છે ત્યારે તો એમની શોભા અત્યંત અદ્દભુત બની જાય છે. એ શોભાનું સાંગોપાંગ વર્ણન વાણી નથી કરી શકતી. સંધ્યાસમયે એ પર્વતશિખરો સોનેરી બની જાય છે. સંધ્યા પછી મંદિરમાં આરતી થાય છે.
પંડાઓનું વર્ચસ્વ અહીં સારા પ્રમાણમાં છે. એમને સારી દક્ષિણાની આશા મળતાં પોતાના યજમાનોને એ મંદિરના અંદરના ભાગમાં દર્શન માટે લઈ જાય છે. બાકી એ સિવાયના બીજા યાત્રીઓ બહાર ઊભા રહીને જ ભગવાનની ઝાંખી કરી લે છે. મંદિરમાં કોઈ વિશેષ મૂર્તિ નથી, પરંતુ મોટો, ત્રિકોણ પર્વતખંડ છે. એની જ પ્રદક્ષિણા ને પૂજા કરવામાં આવે છે. મંદિરમાં બીજી બાજુ ઉષા, અનિરુદ્ધ, શ્રીકૃષ્ણ, પાંડવ તથા શિવપાર્વતીની મૂર્તિઓ છે. મંદિરની બાજુમાં કેટલાંક કુંડ પણ છે. મંદિર ખૂબ પ્રાચીન ને નાનું છે. એનો જીર્ણોધ્ધાર શંકરાચાર્યે કરાવેલો એમ કહેવાય છે. શંકરાચાર્યે જીવનના છેલ્લા દિવસોમાં અહીં વાસ કરીને, પહેલેથી સૂચના આપીને, પોતાના શરીરનો અહીં જ ત્યાગ કરેલો. ભગવાન શંકર પોતે જ કેદારનાથની પુણ્યભૂમિમાંથી માનવજાતિના મંગલને માટે શંકરાચાર્યરૂપે જાણે કે પ્રકટ થયા ને પોતાનું જીવનકાર્ય પૂરું કરીને કેદારનાથની પુણ્યભૂમિમાં પાછા આવીને પોતાના મૂળ સ્વરૂપમાં મળી ગયા.
કેદારનાથમાં ઠંડીનો પાર નથી. એમાંયે બરફના પર્વતોમાંથી આવતી ત્યાંની મંદાકિનીમાં સ્નાન કરવું યાત્રીઓને કપરું લાગે છે. મોટા ભાગના યાત્રીઓ નદીના તટ પર લાકડાં સળગાવીને, સ્નાન કરીને, તાપવા બેસે છે. ઠંડીને લીધે જ લોકો ત્યાં બે દિવસથી વધારે નથી રહેતા. ત્યાં કાલી કમલીવાલાની ધર્મશાળામાં ઊતરવાની વ્યવસ્થા છે.
કેદારનાથની આજુબાજુના પર્વતીય પ્રદેશમાં બ્રહ્મકમળ પુષ્કળ થાય છે. પ્રકૃતિ જાણે ભગવાનની પૂજા માટે એ કમળપુષ્પોને પેદા કરે છે. મજૂરો પર્વતો પરથી કંડી ભરીભરીને બ્રહ્મકમળો લાવે છે. મંદિરમાં એ ચઢાવવામાં આવે છે. પૂજારી પૂજા કરનારને એનો પ્રસાદ આપે છે.
કેદારનાથના દર્શનથી અમને ઘણો આનંદ થયો. બે હાથ જોડીને અમે ભગવાન શંકરની પ્રાર્થના કરી. એ વખતે શંકરાચાર્યે કરેલી શિવસ્તુતિના થોડાક શ્લોકો મુખમાંથી જ નહિ, અંતરમાંથી સરી પડ્યા :
पशूनां पतिं पापनाशं परेशं
गजेन्द्रस्य कृतिं वसानं वरेण्यम् ।
जटाजूटमध्ये स्फुरद् गांगवारिं
महादेवमेकं स्मरामि स्मरारिम् ॥
"જે સંપૂર્ણ જીવરૂપ અજ્ઞાની પશુઓના પતિ કે પાલક છે, પાપોના નાશ કરનારા પરમાત્મા છે, હાથીના ચર્મને ધારણ કરનારા છે, સર્વશ્રેષ્ઠ છે, જેમના જટાજૂટમાં ગંગાજળ શોભી રહ્યું છે, જે કામદેવના શત્રુ છે તે એક અને અદ્વિતીય ભગવાન શંકરનું હું સ્મરણ કરું છું."
महेशं सुरेशं सुरारार्त्तिनाशं
विभुं विश्वनाथं विभूत्यंगभूषम् ।
विरूपाक्षमिन्द्वर्कवह्नित्रिनेत्रं
सदानन्दमीडे प्रभुं पच्जवक्त्रम् ॥
"જે મહાન ઈશ્વર છે. દેવોના સ્વામી છે, દેવોનાં દુઃખને દૂર કરનાર છે, જે વિશ્વના સ્વામી ને વિભુ છે, જેમના શરીર પર ભસ્મ છે, જે વિરૂપાક્ષ અને સૂર્ય ચંદ્ર ને અગ્નિની એમ ત્રણ (વિષમ) આંખવાળા છે, અને જેમનાં પાંચ મુખ છે તે સદા આનંદસ્વરૂપ વિશ્વનાથની હું સ્તુતિ કરું છું."
शिवाकान्त शम्भो शशाडंकार्धमौले
महेशान शूलिन् जटाजूटधारिन् ।
त्वमेक जगद्वापको विश्वरूप
प्रसीद प्रसीद प्रभो पूर्णरूप ॥
"હે પાર્વતીપતિ, હે શંભુ, હે મસ્તકમાં અર્ધચંદ્ર ધારણ કરનારા, હે મહેશાન, શૂલને તથા જટાજૂટને ધારણ કરનારા, હે વિશ્વરૂપ, હે પૂર્ણ પરમાત્મા ! તમે જ એક જગદ્વ્યાપી છો. હે પ્રભુ ! તમે મારા પર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ."
*
રુદ્રપ્રયાગથી કેદારનાથનો માર્ગ : ૪૮ માઈલનો યાત્રામાર્ગ
સમુદ્ર સપાટીથી ઊંચાઈ (ફૂટ) | સ્થાન | સાધન | આગળના સ્થાનથી અંતર (માઈલ) |
ર.000 | રુદ્રપ્રયાગ | મોટર | - |
3,000 | અગસ્તમુનિ | મોટર | ૧૧.પ |
3,000 | કુંડચટ્ટી | મોટર | ૧0 |
૪,૯પ0 | ગુપ્તકાશી | પૈદલ, ઘોડા, દંડી, કંડી | ર |
નાલાચટ્ટી | ૧.પ | ||
નારાયણકોટી | ર | ||
બ્યોંગ ભલ્લા | ૧.પ | ||
પ, રપ0 | ફાટાચટ્ટી | પૈદલ, ઘોડા, દંડી, કંડી | ર |
રામપુરચટ્ટી | 3 | ||
ત્રિયુગીનારાયણચટ્ટી | ૪.૭પ | ||
સોમદ્વારા | 3.રપ | ||
૬,પ00 | ગૌરીકુંડ | પૈદલ, ઘોડા, દંડી, કંડી | 3 |
રામવાડા | ૪ | ||
જંગલચટ્ટી | ૧ | ||
ગરુડચટ્ટી | ૧ | ||
૧૧,૭પ3 | કેદારનાથ | પૈદલ, ઘોડા, દંડી, કંડી | ૧ |
[રામપુરચટ્ટીથી ત્રિયુગીનારાયણચટ્ટી જવાના અને ત્યાંથી કેદારનાથ જવા માટેના માર્ગ પર પાછા આવવાના ૬ માઈલ બાદ કરવાથી ૪૮ માઈલની યાત્રા થાય છે.]