Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ જેમ અસાધારણ હતો તેમ જન્મીને એમણે કરેલી લીલા પણ એટલી જ અનેરી, અદ્દભુત અને અસાધારણ હતી. ધર્મગ્રંથોએ વર્ણવેલો એમના જીવનનો એક પ્રસંગ ખાસ યાદ કરવા જેવો છે. મથુરા પર કાલયવન રાક્ષસે જ્યારે આક્રમણ કર્યું ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને એનો નાશ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને એક યુક્તિ કરી. એ કોઈ પણ જાતના શસ્ત્ર વગર નાસવા માંડ્યા અને નાસતા નાસતા એક ગુફામાં આવી પહોંચ્યા. એ ગુફામાં મુચુકુંદ રાજા દેવતાઓનું વરદાન પામીને સૂઈ રહેલા. ભગવાને એના શરીર પર પોતાનું ઉત્તરીય ઓઢાડી દીધું. કાલયવન જ્યારે ત્યાં આવ્યો ત્યારે મુચુકુંદને શ્રીકૃષ્ણ માનીને લાત મારી. આથી મુચુકુંદ જાગી ગયા. અંતે એમને મળેલા વરદાન પ્રમાણે એમની દૃષ્ટિ પડતાં જ કાલયવન ભસ્મીભૂત થઈ ગયો. પછી રાજા મુચુકુંદને દર્શન આપીને ભગવાને ઉત્તરાખંડમાં તપ કરવા જવાની સૂચના કરી. રાજાએ ગુફામાંથી બહાર નીકળીને યજ્ઞ કર્યો અને ઉત્તરાખંડનો માર્ગ લીધો. એ પવિત્ર યજ્ઞસ્થાન પર એક સરોવર જોવા મળે છે. એની આજુબાજુ જુદાંજુદાં દેવમંદિરો છે. ત્યાં નાનાં છોકરાના વાળ ઉતરાવવાની પ્રથા પણ છે.

મુચુકુંદતીર્થની એ જગ્યાએ જવા માટે ધૌલપુર જવું પડે છે. આગ્રાથી ધૌલપુર ટ્રેન દ્વારા જઈ શકાય છે. ધૌલપુર સ્ટેશનથી ત્રણેક માઈલ દૂર જઈએ એટલે પાકા રસ્તા પર મુચુકુંદ તીર્થ આવે છે. ત્યાં ગંધમાદન પર્વતની અંદર મુચુકુંદગુફાનું દર્શન થાય છે, અને એને જોઈને શ્રીકૃષ્ણના જીવનપ્રસંગનો એ ઈતિહાસ આંખ આગળ તાજો થાય છે.