Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગોરખપુરનું નામ સાંભળતાવેંત નાથ સંપ્રદાયના મહાપ્રતાપી ને સમર્થ સંતપુરુષ શ્રી ગોરખનાથનું સ્મરણ આપોઆપ થાય છે; અને એની સાથે જિજ્ઞાસા થાય છે કે, એ સમર્થ સંતપુરુષના નામ સાથે ગોરખપુર શહેરની ભૂમિને કોઈ સીધો કે આડકતરો સંબંધ છે કે કેમ. સહેજ સંશોધન કરવાથી એ જિજ્ઞાસા વાજબી ઠરે છે. કારણ કે, આપણને જાણવા મળે છે કે, ગોરખનાથની તપોભૂમિ આ જ હતી. ગોરખનાથે પોતાના જીવનની સાધના અને સિદ્ધિનો ઘણો કાળ ત્યાં જ વીતાવેલો. એમની સ્મૃતિમાં ત્યાં આજે પણ ગોરખનાથની ગાદી અને ગોરખનાથનું મંદિર છે. ગોરખનાથનાં સ્થાન દેશમાં કેટલાંય છે, પરંતુ એમાં જે ચાર મઠ મુખ્ય માનવામાં આવે છે તેમાં ગોરખપુરનો મઠ મહત્વનો છે. બીજાં સ્થળોમાં જૂનાગઢ, પેશાવર ને દક્ષિણ ભારતનું ભડંગનાથ છે.

ગોરખપુરના ગોરખનાથ મઠને બાબા દિગ્વિજયનાથ તથા બાબા ગંભીરનાથને લીધે વિશેષ ગૌરવ તથા ખ્યાતિ મળ્યાં છે. એમને લીધે એનો વિકાસ પણ સારો થયો છે. ગંભીરનાથજી નાથ સંપ્રદાયની ઉજ્જવળ પરંપરાના એક સારા ને સાચા સંતપુરુષ હતા, એ હકીકત એમના જીવનચરિત્રનું અધ્યયન કરવાથી સહેજે સમજી શકાય છે. ગોરખનાથનું મંદિર વિશાળ, સ્વચ્છ ને સુંદર છે, અને એમાં વિરોજેલી ગોરખનાથની ચિત્તાકર્ષક મૂર્તિ જોઈને અંતર અવનવા ભાવોથી ભરાઈ જાય છે. સ્ટેશનથી ત્રણેક માઈલ દૂર આવેલા એ મંદિર સુધી જવા પાકી સડક બનેલી છે.

શહેર મોટું છે. એ શહેરનું નામ આજે તો વરસોથી લોકજીભે ચઢી ગયું છે, તેનું એક ખાસ મહત્વનું બીજું કારણ ત્યાંની સુપ્રિદ્ધ સંસ્થા ‘ગીતાપ્રેસ’ છે. શહેરના શેખપુર લત્તામાં ગીતા પ્રેસ રોડ પર એ સંસ્થા છે. એનું પ્રવેશદ્વાર ખૂબ જ કલાપૂર્ણ છે. એ સંસ્થાએ ધાર્મિક માસિક ‘કલ્યાણ’ તથા બીજાં ધાર્મિક-સાંસ્કૃતિક લોકોપયોગી પ્રકાશનો દ્વારા ભારતીય જનતાની, ખાસ કરીને હિંદીભાષી જનતાની મહામૂલી સેવા કરી છે. એ સેવા યજ્ઞ આજે પણ ચાલી રહ્યો છે. એવી અનેક સંસ્થાઓની આજે આવશ્યકતા છે, જે ઓછામાં ઓછા મૂલ્યે વધારેમાં વધારે સારું સાહિત્ય નિયમિત રીતે પ્રજાને પૂરું પાડે.

શહેરમાં ઉતરવા માટે ધર્મશાળા-બજારમાં ધર્મશાળા છે. તે ઉપરાંત, હિંદી બજારમાં સ્વ. મહાવીરપ્રસાદ પોદ્દારની તથા હરબંસરામ ભગવાનદાસની ધર્મશાળાઓ છે. સ્ટેશનથી એકાદ માઈલ દૂર સુંદર પ્રાચીન વિષ્ણુમંદિર છે, જે ખાસ જોવા જેવું છે.

ગોરખપુરની આજુબાજુના વિસ્તારમાં પણ કેટલાંક મહત્વનાં તીર્થસ્થાનો છે. મગહર, કુશીનગર, લુમ્બિની અને શ્રાવસ્તી ઉલ્લેખનીય છે.

મગહર : ગોરખપુરથી લખનૌ જતી રેલવેમાં મગહર સ્ટેશન આવે છે. તે ગોરખપુરથી લગભગ સત્તર માઈલ દૂર છે. એ સ્થળની પ્રખ્યાતિ ખાસ કરીને મહાત્મા કબીરને લીધે છે. કબીરદાસે સરળ ગૂઢ ભાષામાં ઉપદેશ આપીને લોકોના નૈતિક ને ધાર્મિક જીવનસ્તરને ઊંચે લાવવાનો પ્રખર અને પ્રામાણિક પ્રયાસ કરેલો. એવા ઉજ્જવળ પ્રયાસ પછી આ સ્થળમાં એમણે શરીર છોડ્યું. એમની સ્મૃતિમાં અહીં સમાધિની રચના કરવામાં આવી છે. એ સમાધિનું નિરીક્ષણ કરતાં, એ મહાપુરુષના જીવન તથા કવનની વિશેષતા આપણી આંખ આગળ તાદૃશ થાય છે, અને એમના પ્રત્યે આપણા મનમાં માન પેદા થાય છે. કબીર પંથમાં માનનારાં ને રસ લેનારાં સ્ત્રીપુરુષો માટે એ સ્થાન ખરેખર દર્શનીય મનાય છે. મહાત્મા કબીરની સમાધિ ઉપરાંત, એમના પ્રતાપી પુત્ર કમાલની સમાધિ પણ શહેરમાં જોવા મળે છે.

કુશીનગર : પોતાનું ધર્મચક્ર-પ્રવર્તન પૂરું થયે, ભગવાન બુદ્ધના મહાનિર્વાણનો અથવા શરીરત્યાગનો સમય પાસે આવ્યો ત્યારે કુશીનગરમાં બે શાલ વૃક્ષોની વચ્ચે આડા પડીને એમણે શાંતિથી શરીર છોડ્યું. એ વખતે એમની ઉંમર ८0 વરસની હતી, એમ કહેવાય છે. એમના નિર્વાણનો નિશ્ચય સાંભળીને દુઃખી થઈ ગયેલા શિષ્ય આનંદને એમણે કહ્યું : ‘જગતનો કોઈ પણ પદાર્થ અમર નથી. જે જન્મે છે તે જાય છે. જે શરીર ધારણ કરે છે તેણે શરીર છોડવું જ પડે છે. એમાં હર્ષશોકને સ્થાન ના હોય.’ વરસો વીતી ગયાં, છતાં આજે પણ એ વચનો અમર છે.

કુશીનગરના એ પ્રાચીન સ્થાનમાં આજે કસિયા નામે સ્થળ વસ્યું છે. ગોરખપુરથી એ લગભગ 3૬ માઈલ દૂર છે, અને ત્યાં બસમાં બેસીને જઈ શકાય છે. ત્યાં ભગવાન બુદ્ધનું સ્મારક છે. બિરલાની ધર્મશાળા છે. ત્યાંના પરિનિર્માણસ્તૂપ ને વિહારસ્તૂપ પણ જોવા લાયક છે. બૌદ્ધ ધર્માવલંબી પ્રજા માટે એ સ્થળ અત્યંત અગત્યનું તીર્થધામ છે.

શ્રાવસ્તી : ગોરખપુરથી ગોંડા જતી રેલવેમાં વચ્ચે આવતા બલરામપુર સ્ટેશનથી બારેક માઈલ દૂર સહેરમહેઠ ગામ છે. વિદ્વાનોની માન્યતા મુજબ, પ્રાચીનકાળનું સુપ્રસિદ્ધ શ્રાવસ્તી શહેર એ જ છે. એ શહેર કોશલદેશની રાજધાનીનું હતું. શ્રીરામના પુત્ર લવે ત્યાં પોતાની રાજધાની કરેલી. મહાભારતના ભીષણ યુદ્ધ પછી યુધિષ્ઠિરે કરેલા અશ્વમેઘ યજ્ઞના ઘોડાની રક્ષા કરતી વખતે ત્યાંના રાજકુમાર સુધન્વા સાથે ગાંડીવધારી વીર અર્જુને લડવું પડેલું, એવી દંતકથા પણ ચાલી આવે છે.

ગામમાં ભગવાન બુદ્ધનું મંદિર છે. બૌદ્ધ મઠ અને ધર્મશાળા પણ છે. બુદ્ધને આ સ્થળ વિશેષ ગમતું હોવાથી, પોતાના જીવનનાં કેટલાંય વરસો એમણે અહીં પસાર કરેલાં.

જૈનોના ત્રીજા તીર્થંકર સંભવનાથજીનો જન્મ ત્યાં થયો હોવાથી જૈનો માટે પણ એ સ્થળની મહત્તા વિશેષ ગણાય છે.