Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તીર્થનો મહિમા : પુરાણોનું પારાયણ કરનારાઓ નૈમિષારણ્યના નામને સારી પેઠે જાણે છે. નૈમિષારણ્યનો નિર્દેશ પુરાણોમાં સારી રીતે કરેલો છે. પુરાણોના અમર પાત્ર સૂતજીએ એ જ પુણ્યક્ષેત્રમાં શૌનકને અઢાર પુરાણોનો ઉપદેશ આપેલો. એ વખતે નૈમિષારણ્ય એક મહાન સત્સંગભૂમિ બનીને તીર્થશિરોમણિના ઊંચા પદ પર પહોંચી ગયેલું. સૂત પુરાણી પુરાણોની કથા સંભળાવતા ત્યારે કેટલાય લોકો ત્યાં એકઠા થતા. મોટામોટા સંતમહાત્માઓ, ભક્તો તથા વીતરાગ યોગીઓ પણ એમની આગળ કથા સાંભળવા શાંતિપૂર્વક બેસી જતા. એ વખતનું વાતાવરણ કેટલું બધું સુંદર, ઈશ્વરપરાયણ ને અદ્દભુત હશે !

સૂત પુરાણીને વક્તા બનાવીને પ્રાચીન ભારતના શાસ્ત્રકારોએ સૂચવ્યું છે કે, गुणाः पूजास्थानं गुणिषु न च लिंगं न च वयः -‘માણસની પૂજા એના ગુણ અથવા એની લાયકાત જોઈને કરાવી જોઈએ, એની ઉંમર કે જાતિ જોઈને નહિ.’ કોઈ ગમે તે જાતિમાં જન્મ્યો હોય અથવા ગમે તેટલી વયનો હોય તે વાતનું મહત્વ વધારે નથી આંકવાનું. મુખ્ય મહત્વ તો એની અંદરની લોકોત્તર યોગ્યતાનું છે. એ જોઈને જ એનું સન્માન કરાવું જોઈએ. ભારતવર્ષમાં એવી પ્રથા પ્રચલિત હતી, અને સૂતજી એ પ્રથાના જ ઉજ્જવળ ઉદાહરણરૂપ હતા. એમના અસાધારણ જ્ઞાન તથા અનુભવના ગુણોને લીધે જ એ જમાનામાં એમનો એટલો આદર કરવામાં આવેલો અને એમનું લોકોત્તર સન્માન કરવામાં આવેલું. સૂત પુરાણીએ એમના જમાનામાં જાણે કે જ્ઞાનની તેમજ પ્રેમભક્તિની પરબ માંડેલી. શૌનક જેવા બીજા કેટલાય બડભાગી ધર્મપરાયણ આત્માઓ એ પરબનું પ્રશાંતિદાયક પવિત્ર પાણી પીતા ને કૃતાર્થ બનતા. પુરાણોના કથામય વિવિધરંગી રૂપમાં ચાલુ થયેલી, પ્રાણને પુલકિત કરનારી ને પરિતૃપ્તિ પહોંચાડનારી એ પરંપરાગત પ્રાચીન પરબ આજે પણ એવી જ ચાલુ છે, ને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આજ સુધી એણે શૌનક જેવા બીજા કેટલાય જિજ્ઞાસુ જીવોને શાંતિ આપી છે, ને પ્રેરણાની સામગ્રી પૂરી પાડી છે. સૂત પુરાણીની એ સેવા ઓછી મહત્વની કે ઓછી મૂલ્યવતી નથી સમજવાની.

નૈમિષારણ્યની પુણ્યભૂમિમાં પ્રવેશતાંવેંત એ પ્રતાપી મહાપુરુષની મૂર્તિ આપણી અંતરની આંખ આગળ હાજર થયા વગર નથી રહી શકતી. સુંદર સરિતાતટે વિશાળ વટવૃક્ષની નીચે જાણે કે એ જ્ઞાનવૃદ્ધ, તપસ્વી મહાપુરુષ સુખાસનમાં બેઠા છે; એમની સામે શૌનક છે, અને આજુબાજુ ઋષિઓનો વિશાળ, શાંત સમુદાય છે; સૌ ભગવદ્દભાવમાં લીન છે; નૈમિષારણ્યની ભૂમિ એ અનેરા અનુભવથી પોતાને પરમ સૌભાગ્યશાળી સમજી રહી છે. એ આખુંયે દૃશ્ય કેટલું બધું અદ્દભુત ને ધન્ય લાગે છે. એના અલૌકિક આનંદથી અંતર ખરેખર નાચી ઊઠે છે.

માર્ગ : ઉત્તર રેલવેના બાલામઉ સ્ટેશનથી ટ્રેન બદલીને નૌમિષારણ્ય જવા માટે આગળ વધવું પડે છે. બાલામઉથી નૈમિષારણ્ય લગભગ સોળ માઈલ દૂર છે. નૈમિષારણ્ય રેલવે સ્ટેશન છે. કાનપુરથી બાલામઉની ટ્રેન મળી શકે છે.

શાસ્ત્રોના નિર્દેશ : નૈમિષારણ્ય નામકરણના સંબંધમાં પ્રકાશ પાડતા કેટલાક નિર્દેશો શાસ્ત્રોમાં મળી આવે છે. વારાહપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, એ ભૂમિમાં ભગવાન દ્વારા એક નિમિષમાત્રમાં રાક્ષસોનો સંહાર કરવામાં આવ્યો, એથી એનું નામ નૈમિષારણ્ય પડ્યું. વાયુપુરાણમાં નૈમિષારણ્યના નામકરણનો ઉલ્લેખ કરતાં એક બીજી કથામાં કહેવામાં આવ્યું છે કે, મહર્ષિ શૌનકના મનમાં એકવાર લાંબા વખત સુધી જ્ઞાનયજ્ઞ કરવાની ઈચ્છા થઈ. એમણે એ ઈચ્છાથી પ્રેરાઈને આરાધના કરી. આખરે એમની આરાધના ફળી. એના પરિણામે બ્રહ્માએ પ્રસન્ન થઈને એમને એક ચક્ર આપ્યું અને કહ્યું : ‘આ ચક્રને ચલાવતા આગળ વધો. જે સ્થળે એની નેમિ અથવા પરિધિ પડે તે સ્થળને સૌથી પવિત્ર માનીને ત્યાં રોકાઈ જજો. ત્યાં આશ્રમ કરીને જ્ઞાનયજ્ઞનું આયોજન કરજો.’ શૌનકઋષિની સાથે બીજા ર८,000 ઋષિઓ પણ હતા. તે બધા બ્રહ્માજીની સૂચના પ્રમાણે ચક્રની સાથેસાથે ચાલવા લાગ્યા. આખરે એક દિવસ ગોમતી નદીના તટપ્રદેશ પર એકાંત અરણ્યમાં એ ચક્ર પણ જમીનમાં ઊતરી ગયું. એટલે એને પવિત્ર પ્રદેશ માનીને શૌનકાદિ ઋષિઓ ત્યાં રોકાઈ ગયા. એ તીર્થ ચક્રની નેમિ પડવાથી નૈમિશ કહેવાયું, તથા જ્યાં ચક્રે ભૂમિમાં પ્રવેશ કર્યો તે સ્થળ ચક્રતીર્થ નામથી ઓળખાયું. મહર્ષિ શૌનકે એ જ તીર્થમાં બ્રહ્માની સૂચનાનુસાર જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું, અને એમના સદ્દભાગ્યે એમને સૂત પુરાણી જોવા પ્રખર વીતરાગ વ્યાખ્યાતા મળી ગયા. વક્તા તથા શ્રોતા બંનેનો સુમેળ થયો.

પુરાણોમાં નૈમિષારણ્યનો મહિમા મોટા શબ્દોમાં કહી બતાવવામાં આવ્યો છે. એ મહિમાથી પ્રેરાઈને કેટલાક લોકો એ પવિત્ર ને પ્રાચીન તીર્થધામના દર્શન માટે આવે છે, ને ભૂતકાળની પૌરાણિક વાતોને યાદ કરીને શાંતિ અનુભવે છે. સાધકો એ શાંત ભૂમિમાં શાંતિથી સાધના પણ કરતા હોય છે. એ ભૂમિનું વાયુમંડળ પરમ પવિત્ર હોવાથી મનને પ્રસન્ન કરે છે ને પ્રેરણા ધરે છે. એ ભૂમિમાં રહીને નિયમિત સ્વાધ્યાય કરનારને વહેલી તકે, ઓછા પ્રયાસે પ્રકાશ મળે છે. એની નાનીમોટી સઘળી શંકાઓનું સમાધાન થાય છે. એ પછી એ પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે તલપાપડ બને છે.

દર્શનીય સ્થળો : નૈમિષારણ્યમાં જોવા જેવાં સ્થાનોમાં સૌથી પહેલાં તો ચક્રતીર્થ આવે છે. ચક્રતીર્થનો આછોપાતળો ઉલ્લેખ અગાઉ આવી ગયો છે. એ તીર્થ ગોમતી નદીના તટ પર છે. સોમવતી અમાસના દિવસે ત્યાં મેળો ભરાય છે. બલરામજી સમસ્ત ભારતવર્ષની યાત્રા કરીને જ્યારે નૈમિષારણ્યમાં આવ્યા ત્યારે આ સ્થળમાં એમણે યજ્ઞ કરેલો, એમ કહેવાય છે. આ તીર્થ નૈમિષારણ્ય સ્ટેશનથી એકાદ માઈલ દૂર છે. એ એક સરોવર છે અને એની અંદર પાણી નિરંતર નીકળ્યા કરે છે. એના તટ પર ભૂતનાથ મહાદેવનું મંદિર છે. બીજાં પણ થોડાંક મંદિરો છે. એ પછી, પંચપ્રયાગ સરોવર પણ જોવા જેવું છે. એના તટે અક્ષયવટ નામે વડનું વૃક્ષ છે. ત્યાંના એક બીજા સરોવર પર કાશીતીર્થ છે. જ્યાં અન્નપૂર્ણા તથા વિશ્વનાથનાં મંદિર છે. ત્યાં પિંડદાન કરવાની પરિપાટી છે. નૈમિષારણ્યમાં વ્યાસ તથા શુકદેવનાં સ્થાન પણ જોવા મળે છે. ત્યાં મંદિરમાં શુકદેવની તથા મંદિરની બહાર મહર્ષિ વ્યાસની ગાદી છે. એની બાજુમાં મનુ તથા શતરૂપાના ઓટલા છે. બીજું સ્થાન ‘દશાશ્વમેઘ ટીલા’ કહેવાય છે. ત્યાંના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની તેમજ પાંડવોની મૂર્તિઓ છે. પાંડવકિલામાં પણ એ જ મૂર્તિઓ જોવા મળે છે.

નૈમિષારણ્યનું મુખ્ય મંદિર લલિતાદેવીનું મંદિર પણ યાત્રીઓએ જોવા જેવું છે. ત્યાં આવેલું સૂતજીનું સ્થાન ખાસ ધ્યાન ખેંચે છે. ત્યાંના એક મંદિરમાં સૂતજીની ગાદી છે. સૂતજી ત્યાં સદેહે વિરાજતા હશે ત્યારે વાતાવરણ કેટલું બધું અદ્દભુત અને આનંદદાયક લાગતું હશે !

નૈમિષારણ્યમાં બીજાં મંદિરો તથા ઘણા કુંડ પણ છે. એ ઉપરાંત, નારદાનંદ સ્વામીનો આશ્રમ પણ ત્યાં આવેલો છે, જ્યાં સાધકો રહી શકે છે. ત્યાંના બ્રહ્મચર્યાશ્રમમાં રહીને વિદ્યાર્થીઓ શિક્ષણ પણ મેળવે છે. દેશમાં એવા આશ્રમો જેટલા વધારે થાય તેટલું લાભદાયક છે.