if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=The power of refuge}

Duryodhan came to know about Akshya patra (inexhaustible pot) and felt jealous. He could not stand Pandavas happiness. Incidentally, Sage Durvasa came to Hastinapur with his ten thousand students. Duryodhan served them with utmost care and affection. As a result, Durvasa became very happy and asked Duryodhan for a boon. Duryodhan asked Sage Durvasa to visit Pandavas when Draupadi is resting after finishing her lunch. Sage Durvasa blessed Duryodhana and left.
Sage Durvasa along with his ten thousand students reach Pandavas place at a time when Draupadi had finished her lunch. Yudhisthir welcomed Sage Durvasa and his disciples and invited them for lunch after a dip in the river.  Sage Durvasa was known for his anger so Draupadi was worried. She prayed intensely to Lord Krishna for help to which Krishna responded. Draupadi revealed to Krishna her helplessness in serving Sage Durvasa and his disciples. Krishna ate leftover grain from her inexhaustible pot and burped (felt content). Somehow, Sage and all his disciples' hunger disappeared and they burped too! Krishna then send Bhim to invite Sage Durvasa and his disciples for food. Since everybody felt content, they left the place without food. Krishna thus saved the day for Pandavas and Duryodhan's malicious plan did not succeed.

{/slide}

નીતિ, ન્યાય, સત્ય અને સદાચારના માર્ગે આગળ વધનારાનો માર્ગ સદાને સારુ સાફ નથી હોતો. એ માર્ગે અહર્નિશ એકધારી અનુકૂળતા હોય છે એવું નથી હોતું; પ્રતિકૂળતાની પરંપરા પણ પેદા થાય છે. સુખને બદલે દુઃખ, સંપત્તિને બદલે વિપત્તિ, સ્તુતિને બદલે નિંદા, હર્ષને બદલે શોક, અને અમૃતને બદલે વિષનો અનુભવ પણ કરવો પડે છે. તો પણ એનું પરિણામ સદા સુનિશ્ચિત રીતે સારું, સાનુકૂળ અથવા અમૃતમય હોય છે. નીતિ, ન્યાય, સત્ય અને સદાચારના મંગલમય માર્ગે ચાલનારની સદા સદગતિ થાય છે અને જો સહેજ પણ સાચી શ્રદ્ધાભક્તિ હોય તો પરમાત્માની પરમ શક્તિ એની રક્ષા કરે છે. દ્રૌપદી તથા પાંડવોના જીવનવૃતાંત પરથી એની સંતોષકારક પરિપૂર્ણ પ્રતીતિ થાય છે.

પાંડવો દ્રૌપદી સાથે નગરની જેમ વનમાં પણ સુખશાંતિપૂર્વક નિવાસ કરે છે એવું જાણીને દુર્બુદ્ધિ દુર્યોધનને દુઃખ થયું. એ એના સાથીદારો તથા મંત્રીઓ સાથે મળીને એમને અધિકાધિક આપત્તિમાં નાખવાની યોજના ઘડવા લાગ્યો. એ સમય દરમિયાન એક વાર પરમ તપસ્વી મહર્ષિ દુર્વાસા પોતાના દસ હજાર શિષ્યો સાથે એને ત્યાં અતિથિ તરીકે આવી પહોંચ્યા. દુર્યોધને એમનું અસાધારણ આદરભાવ તથા શ્રદ્ધાભક્તિ સહિત સ્વાગત અને આતિથ્ય કર્યું.

દિવસોના દીર્ઘકાળના આતિથ્યથી પ્રસન્ન થયેલા દુરારાધ્ય દુર્વાસાએ એને વરદાન માગવાનું કહ્યું. દુર્યોધનની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં. એ એ જ પળની પ્રતીક્ષા કરતો હતો. કર્ણ તથા દુઃશાસન જેવા સાથીઓની સલાહ પ્રમાણે એણે અગાઉથી જ વરદાનના વિષયનો નિર્ણય કરી રાખેલો. તદનુસાર એણે જણાવ્યું કે અમારા કુળમાં યુધિષ્ઠિર સૌથી શ્રેષ્ઠ અને જયેષ્ઠ છે. સદગુણી, સચ્ચરિત્ર અને સત્યશીલ છે. મારે માગવાનું વરદાન એ જ છે કે એમની પાસે જઇને તમે એમના શિષ્યો સાથે અતિથિ બનો. મારી ઉપર સાચેસાચ અનુગ્રહ કરવા માગતા હો તો એવે વખતે એમના અતિથિ બનો કે જ્યારે દ્રૌપદી પાંડવો ને અન્ય અતિથિ અભ્યાગતોને જમાડી, સ્વયં ભોજન કરીને, સુખશાંતિપૂર્વક વિશ્રામ કરતી હોય.

દુર્વાસાએ એની આકાંક્ષાનુસાર કરવાની અનુમતિ આપી એટલે એની પ્રસન્નતા પરાકાષ્ઠા પર પહોંચી. એ પોતાને કૃતકૃત્ય સમજવા લાગ્યો. એણે માગેલા વરદાન પાછળ દ્રૌપદીને તથા પાંડવોને મુશ્કેલીમાં મૂકવાનો ને કુદ્ધ બનેલા દુર્વાસા દ્વારા શાપ અપાવવાનો આશય સ્પષ્ટ હતો. પરંતુ એને ખબર નહોતી કે જેને રામ, સર્વાન્તર્યામી સર્વશક્તિમાન શ્યામ, રાખે તેને કોણ મારી શકે ? ભૂતકાળના અત્યાર સુધીના અનુભવોમાંથી એ આવશ્યક અને આશીર્વાદરૂપ એવું કશું જ નહોતો શીખ્યો.

એ પછી અનુકૂળ અવસર આવતાં મહામુનિ દુર્વાસા વનમાં વસતા પાંડવો પાસે પહોંચી ગયા. દસ હજાર શિષ્યો સાથે અતિથિરૂપે પધારેલા તપસ્વીશ્રેષ્ઠ દુર્વાસાનું પાંડવોએ સમુચિત સ્વાગત કર્યું. યુધિષ્ઠિરે એમને સ્નાનાદિથી પરવારીને શિષ્યમંડળી સાથે ભોજન માટે આવવાનું આમંત્રણ આપ્યું. દુર્વાસા મુનિ શિષ્યો સાથે સરિતાતટ પર સ્નાન તથા ધ્યાન માટે ગયા.

દ્રૌપદીને એ બધી માહિતી મળી ત્યારે એ વિચારમાં પડીને ચિંતામાં ડૂબી ગઇ. સૌને ભોજન કરાવીને એ પોતે ભોજન કરી ચૂકી હોવાથી સૂર્યનારાયણ ભગવાને પ્રદાન કરેલા પાત્રમાંથી હવે અધિક અન્નની પ્રાપ્તિ માટે લેશ સંભવ ન હતો. એ અવસ્થામાં દુર્વાસામુનિનું એમની શિષ્યમંડળી સાથે આતિથ્ય કેવી રીતે કરી શકાશે એની એને સમજ ના પડી.

પરંતુ પ્રતિકૂળતાથી ડરી, ડગી કે ગભરાઇ જાય તે ભક્ત ના કહેવાય. દ્રૌપદી ભગવાન કૃષ્ણની એકનિષ્ઠ પરમભક્ત હતી. એણે એમનું શરણ લીધું અને એમને પ્રાર્થતાં એમની આગળ આત્મનિવેદન કરવા માંડયું.

ભક્તવત્સલ ભગવાન કૃષ્ણ દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને સત્વર એની પાસે પહોંચ્યા. દ્રૌપદી એમનાં દર્શનથી પ્રશાંતિ પામી એની પ્રાર્થનાના પ્રયોજનને જાણીને કૃષ્ણે કહ્યું: દ્રૌપદી, મને ભૂખ લાગી હોવાથી પહેલાં ભોજન કરાવ.

દ્રૌપદીએ પોતાની પરિસ્થિતિ જણાવી એટલે ભગવાન કૃષ્ણે સૂર્યનારાયણે પ્રદાન કરેલું પાત્ર મંગાવીને જોયું તો એની અંદર શાકનું એક ફોડવું ચોંટી રહેલું. ભગવાને વિશ્વરૂપ, યજ્ઞાધિપતિદેવ અને સમસ્ત સૃષ્ટિની સંતૃપ્તિનો સંકલ્પ કરીને એને આરોગી લીધું. એ પછી ભીમને દુર્વાસાદિને બોલાવવાનો આદેશ આપ્યો.

દુર્વાસા એમના શિષ્યો સાથે સ્નાનાદિ સત્કર્મમાં રત હતા એ જ વખતે ભગવાન કૃષ્ણના પરમ અદભુત અસીમ સામર્થ્યને લીધે એમને આકંઠ તૃપ્તિનો અનુભવ થયો એને અજીર્ણ થયા જેવું લાગ્યું. શિષ્યોએ ઉપરાઉપરી ઓડકાર ખાતાં મુનિની આગળ ભોજનની અનિચ્છા દર્શાવી. દુર્વાસાની દશા પણ એવી જ હતી. એમણે કહ્યું કે આપણે પાંડવોને ભોજનની તૈયારીનો આદેશ આપીને નકામો પરિશ્રમ કરાવ્યો, એમના ભોજનનો દુરુપયોગ કરીને દોષપાત્ર બન્યા. પાંડવો જેવા પરમ ભગવદભક્તોનો અપરાધ અતિશય અનર્થકારક થઇ શકે છે. એ સંબંધમાં રાજર્ષિ અંબરીષનું ઉદાહરણ હજુ નથી ભુલાયું. પાંડવો ક્રોધે ભરાઇને આપણને સૌને ભસ્મિભૂત પણ કરી શકે એમ છે. એટલા માટે એમને પૂર્વસૂચના આપ્યા સિવાય જ આપણે વિદાય થઇએ એ ઠીક થશે.

એ સૌ વિદાય થયા તે પછી ભીમ સરિતાતટ આગળ આવી પહોંચ્યો. ત્યાંના તપસ્વીઓના શ્રીમુખથી સઘળા સમાચાર સાંભળીને ભીમે તથા અન્ય પાંડવોએ વિવિધ વિચારો કરવા માંડયા.

ભગવાન કૃષ્ણે કરેલી વિશેષ કૃપાની માહિતી મેળવીને એમની ચિંતા શમવાથી એમને શાંતિ વળી.

ભગવાન કૃષ્ણની અસાધારણ અનુકંપાને લીધે દુર્બુદ્ધિયુક્ત દુર્યોધનની એમને શાપ અપાવવાની ને દુઃખી બનાવવાની યોજના લેશ પણ સફળ ના થઇ.

દ્રૌપદીને અને પાંડવોને અનેક પ્રકારે આશ્વાસન આપીને કૃષ્ણ ત્યાંથી ચાલી નીકળ્યા. એમણે આરોગેલા એક જ પત્રે સૌને સંતૃપ્તિ પૂરી પાડી, કારણકે એ સમસ્ત સૃષ્ટિસ્વરૂપ, સર્વરૂપ હતાં.

કથા કહે છે કે ભગવાનનું શરણ અને સ્મરણ સર્વ પ્રકારનાં સંકટમાંથી મુક્તિ આપનારું ને શાંતિ સમર્પનારું છે. દ્રૌપદીની જેમ જીવ એનો અનુરાગપૂર્વક અંતરના અંતરતમમાંથી આશ્રય લે છે તો નિશ્ચિંત, નિર્ભય, સફળમનોરથ, ધની ને ધન્ય બને છે. એનું અલ્પ પણ ભગવાનના અસાધારણ અનુગ્રહથી અનંત બને છે, અમૃત ઠરે છે, પરમ તૃપ્તિ ધરે છે.

જીવનનું પરમ અક્ષયપાત્ર આજે ખાલી પડ્યું છે. એમાં સુખ શાંતિ, સમૃદ્ધિ, સંતૃપ્તિની સૃષ્ટિ નથી થતી. એને લીધે માનવ બેચેન તથા દુઃખી છે. જો એનો સંબંધ પરમાત્માની સાથે થાય તો એમના અમોલ અનુગ્રહથી જીવન ઉજ્જવલ બને અને સુખશાંતિનો અક્ષયભંડાર ભરાઇ જાય. સ્વલ્પ જ શ્રદ્ધા-ભક્તિ કે સમર્પણયુક્ત સ્નેહભાવના હોય તોપણ પરમાત્મા એને વિરાટ કરે, અસીમ ગણે, અને અનંતગણું ફળ આપીને કૃતકૃત્યતા ધરે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.