if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Reunion of Nal and Damayanti}

Rituparna reached Kundinpur with Bahuk. Bhim, Damayanti's father welcomed them. Rituparna was surprised as there were no signs of swayamvar. Bhim was surprised too as he did not know about Damayanti's whole plan. In the meanwhile, Damayanti send her maid to Bahuk to ascertain about his identity. Maid narrated in detail about her observation. Damayanti asked her maid to go once again and bring food prepared by Bahuk. Damayanti tasted it and became sure that Bahuk was none other than her husband Nal. She send her two kids to Nal. Nal saw them immediately remembered his kids. When Damyanti and Nal met face to face, Nal recognized her. Finally, Nal and Damayanti reunited.  With Snake's boon, Nal regained his lost beauty. They happily lived thereafter.
In spite of difficulties, Nal and Damayanti hold on and ultimately met each other. The moral of the story is that one should not get discouraged or dishearten by adverse situations.

{/slide}

રાજા ઋતુપર્ણે નળ પર પ્રસન્ન થઇને એને માર્ગમાં અક્ષવિદ્યા શીખવી.

એ વિદ્યાના પ્રભાવથી નળના શરીરમાંથી કલિયુગ બહાર નીકળ્યો.

નળની અસાધારણ અશ્વવિદ્યાના પ્રભાવથી રાજા ઋતુપર્ણે સંધ્યા સમયે કુંડિનપુરમાં પ્રવેશ કર્યો ત્યારે સેવકોએ ભીમને એના શુભાગમનના સમાચાર પહોંચાડયા.

રથના ચિરપરિચિત ઘોષને સાંભળીને દમયંતીએ નળના આગમનનું અનુમાન કર્યું.

એનું અંતર અને અંગેઅંગ આનંદ પામીને અવનવા અવર્ણનીય ભાવોને અનુભવવા લાગ્યું.

પુણ્યશ્લોક નળનાં દર્શનની દિવ્ય ઇચ્છાથી પ્રેરાઇને એ મહેલની ઊંચી અટારી પર ચઢી.

એણે રથમાં રાજા ઋતુપર્ણને, વાર્ષ્ણેયને ને બાહુકને બેઠેલા જોયા. નળને ના નિહાળવાથી એ દુઃખી થઇ.

ભીમે ઋતુપર્ણનો સત્કાર કર્યો.

ઋતુપર્ણને ત્યાં સ્વયંવરનું કોઇ ચિહ્ન ના દેખાયું.

ભીમને પણ ઋતુપર્ણના આગમનનું કારણ ના સમજાયું. દમયંતીએ નળની માહિતી મેળવવા સ્વયંવરનું જે નિમિત્ત ઊભું કરેલું કરેલું તેની કોઇને કલ્પના પણ નહોતી.

દમયંતી અસામાન્ય બુદ્ધિશાળી હતી. એણે પોતાની વિશ્વાસુ દાસી કોશિનીને બાહુક પાસે મોકલીને એના રહસ્યજ્ઞાનને મેળવવાનો પ્રયાસ કર્યો.

કોશિનીએ બાહુકનું વિવિધ પ્રકારે પરીક્ષણ કરીને કહ્યું કે આના જેવો અતિપવિત્ર કર્મવાળો કોઇ પણ માણસ મેં પૂર્વે જોયો નથી, તેમ સાંભળ્યો પણ નથી. નીચું બારણું આવતાં તે કદી પણ નમતો નથી; ઊલટું, એને જોઇને તે બારણું જ સુખે અને પ્રતિબંધ વિના અંદર જઇ શકાય એવું ઊંચું થઇ જાય છે. સાંકડી જગ્યા પણ એને માટે વિશાળ અને સરિયામ થાય છે. ભીમરાજે ઋતુપર્ણને માટે જાતજાતના ભોજન પદાર્થો મોકલ્યા હતા. પશુનું પુષ્કળ માંસ પણ મોકલ્યું હતું. માંસને ધોવા માટે ઘડાઓ ગોઠવ્યા હતા. બાહુકે તે ઘડાઓ ઉપર દૃષ્ટિ કરી કે તરત જ તે જલથી ભરાઇ ગયા. પછી બાહુકે તે માંસાદિ ધોયાં અને ચૂલે ચઢાવ્યાં. તેણે મૂઠીભર ઘાસ લઇને તેને સૂર્ય સામે ધર્યું, એટલે ત્યાં એકદમ અગ્નિ પ્રગટયો. એ મહાન આશ્ચર્યને જોઇને હું વિસ્મિત થઇ અને અહીં આવી છું. એનામાં મેં બીજાં પણ મહાન આશ્ચર્યો જોયાં છે. અગ્નિને અડવા છતાં પણ એ તેથી દાઝતો નથી. એની ઇચ્છા થતાં જ જલ ધોધબંધ ધસારાથી વહેવા લાગે છે. વળી મેં એક બીજું અતિ મહાન આશ્ચર્ય જોયું. પુષ્પોને લઇને તેણે બે હાથે ધીરે ધીરે ચોળ્યાં. ફૂલોને હાથથી મસળ્યાં તો પણ તે તેવાં ને તેવાં જ રહ્યાં હતાં; એટલું જ નહિ પણ વિશેષ સુગંધીદાર અને પ્રફુલ્લિત થયાં હતાં એ અદભુત લક્ષણોને જોઇને હું અહીં દોડતી આવી છું.

પુણ્યશ્લોક નળની તે ચેષ્ટાઓને સાભળીને દમયંતીએ માન્યું કે આ નળરાજા જ આવ્યા છે. બાહુક પોતાના પતિ નળરાજ છે એવી એને શંકા થઇ. ફરીથી એણે રોતાં રોતાં મીઠી વાણીમાં કોશિનીને કહ્યું કે બાહુકનું ધ્યાન ના હોય ત્યારે રસોડામાંથી બહાર પડેલું તેનું રાંધેલું માંસ લઇ આવજે. કોશિની બાહુકની પાસે ગઇ અને ત્યાંથી ગરમ માંસને લઇ આવી. દમયંતીએ અગાઉ અનેકવાર નળે રાંધેલું માંસ ખાધું હતું, તેથી માંસને ખાતાં જ માન્યું કે આ સારથિ નળ જ છે. તે મોટેથી કલ્પાંત કરવા લાગી અને અત્યંત વ્યાકુળ થઇ ગઇ. તેણે પોતાનાં બે બાળકોને કોશિની સાથે મોકલ્યાં. બાહુકે ઇન્દ્રસેનાને તથા તેના ભાઇ ઇન્દ્રસેનને ઓળખી કાઢ્યાં. તરત જ તે સામે દોડ્યો. તેમને ખોળામાં લીધાં. દેવબાળકો જેવાં એ બંને બાળકોને મળીને બાહુકનું મન દુઃખથી ઘેરાઇ ગયું, અને ઊંચે સાદે રોવા લાગ્યો. પછી જાણે કાંઇક યાદ આવ્યું હોય તેમ એકાએક બંને બાળકોને ઉઠાડીને તે કોશિનીને કહેવા લાગ્યો કે આ બે બાળકો જેવાં જ મારે પણ બાળકો છે. આથી એમને જોતાંવેંત જ મને આંસુ આવ્યાં. તું વારંવાર અહીં આવે છે તેથી લોકો કદાચ દોષદૃષ્ટિએ શંકા કરશે. અમે તો આ દેશના અતિથિઓ છીએ. માટે હવે તું સુખેથી ચાલી જા.

કોશિનીની કથા સાંભળીને દમયંતીને બાહુકના રૂપ વિશે જાણવાની ઇચ્છા થઇ. એણે પોતાના માતાપિતાની અનુમતિ મેળવીને બાહુકને પોતાની પાસે બોલાવ્યો.

દમયંતીને ત્યાં એકાએક અવલોકીને નળ આશ્ચર્યચકિત તથા દુઃખી થઇ ગયો.

એ બંનેની વચ્ચેના વાર્તાલાપથી બંનેને સંતોષ થયો.

દમયંતીને નળનું મિલન થયું ને નળને દમયંતીનું.

દમયંતીના સ્વયંવરના સમાચાર તો મિથ્યા અને પોતાને શોધી કાઢવાના સાધન સમાન હતા એવી દમયંતીના સ્પષ્ટીકરણથી નળને ખાતરી થઇ. એ વખતે આકાશવાણી થઇ કે દમયંતી નિષ્પાપ છે. એણે શીલરૂપી ઉજ્જવળ કોશનું રક્ષણ કર્યું છે. અમે એના ત્રણ વરસથી સાક્ષી છીએ. તારે માટે જ એણે સ્વયંવરનો ઉપાય યોજ્યો છે. જગતમાં તારા વિના બીજો કોઇ પુરુષ એક દિવસમાં સો યોજન જઇ શકે તેમ નથી. તું દમયંતીને મળ્યો છે ને દમયંતી તને મળી છે. એ સંબંધમાં શંકા કરીશ નહીં. તું એનો સ્વીકાર કર અને એ તારો સ્વીકાર કરે.

નળે નાગરાજને યાદ કરીને તેણે આપેલું નિર્મળ વસ્ત્ર ધારણ કર્યું એટલે એને એના અસલ સ્વરૂપની પ્રાપ્તિ થઇ.

નળ અને દમયંતીની પ્રસન્નતાનો પાર ના રહ્યો.

દમયંતીની દુઃખકથા કહી બતાવે છે કે માનવે દુઃખ કે કષ્ટના કારમા દિવસો દરમિયાન પણ ધીરજ તથા હિંમતને ના હારવી, આશાને ના ત્યાગવી, અને દુઃખ, કષ્ટ કે મુસીબતમાંથી મુક્તિ મેળવવાનો મનોરથ તેમ જ પ્રયત્ન કરવો. દમયંતીની કથા ભારતીય નારીના મજબૂત મનોબળની, અદમ્ય આત્મવિશ્વાસની, આત્મસંયમની, ત્યાગની, પાવિત્ર્યની, શીલની અને નિષ્ઠાવ્રતની કલ્યાણકથા છે. નર અને નારી ઉભયને માટે એ એકસરખી પ્રેરક, કલ્યાણકારક અને ઉપયોગી છે.

રાજા ઋતુપર્ણ નળને નિહાળીને આશ્ચર્ય અને આનંદ પામ્યો.

એણે જ્ઞાત અથવા અજ્ઞાત રીતે કોઇ પ્રકારનો દુર્વ્યવહાર કરાયો હોય તો નળની ક્ષમા માગીને બીજા સુયોગ્ય સારથિ સાથે પોતાના નગર પ્રતિ પ્રયાણ કર્યું.

ભીમને સંપૂર્ણ સંતોષ થયો.

દમયંતીની માતાએ અને પુલકિત પ્રજાજનોએ મહોત્સવ મનાવ્યો.

રાજા ઋતુપર્ણના પ્રયાણ પછી નળે દિવસો સુધી દમયંતી સાથે કુંડિનપુરમાં વસીને નિષધદેશ જવા માટે વિદાય લીધી.

એનું પ્રારબ્ધ પલટાયું.

પ્રારબ્ધ ક્યારે કોનું પલટાય છે તે વિશે ચોક્કસપણે કશું જ નથી કહી શકાતું. માટે જ માનવે કોઇપણ સ્થળે, કોઇપણ સંજોગોમાં, નાહિંમત નથી થવાનું; નિરાશાવાદી નથી બનવાનું.

નળાખ્યાનનો એ સર્વકાલીન સર્વોપયોગી સંદેશ છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.