if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
१६. तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम् ।
16. tat param purusha khyateh guna vaitrushnyam

પુરુષના જ્ઞાનથી પ્રકૃતિના ગુણોમાં તૃષ્ણાનો છેક અભાવ થઇ જાય છે તેને પર અથવા ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય કહેવામાં આવે છે.

ઉપર કહેલા સાધારણ વૈરાગ્યથી જ્યારે માણસની વિષય તૃષ્ણા બંધ પડે છે, ને તેના ચિત્તનો પ્રવાહ પોતાના ધ્યેયના અનુભવમાં એકાગ્ર થઇ જાય છે, ત્યારે સમાધિની દૃઢતા થવાથી પ્રકૃતિ ને પુરુષ સંબંધી વિવેકજ્ઞાન પ્રકટ થાય છે. ત્યારે ત્રણ ગુણ ને તેમના કાર્યમાં કોઇ જાતની દ્વિધા કે આસક્તિ નથી રહેતી. તે વખતે તે નિષ્કામ ને આત્મારામ બની જાય છે. એ દશાને પરવૈરાગ્ય કહેવામાં આવે છે.

*

१७. वितर्कविचारानन्दास्मितारूपानुगमात् संप्रज्ञातः ।
17. vitarka vichara ananda asmita rupa anugamat samprajnatah

વિતર્ક, વિચાર, આનંદ ને અસ્મિતા - એ ચારેના સંબંધવાળા ચિત્તવૃત્તિના સમાધાનને સંપ્રજ્ઞતા યોગ કહે છે.

સંપ્રજ્ઞતા યોગના ધ્યેય પદાર્થ ત્રણ કહ્યા છે :

૧) ઇન્દ્રિયોના સ્થૂલ ને સૂક્ષ્મ વિષય
૨) ઇન્દ્રિયો ને અંતઃકરણ
૩) બુદ્ધિ સાથે એકતા અનુભવનારો પુરુષ.

પહેલા પ્રકારના પદાર્થોના વિષયોના સ્થૂલ રૂપમાં સમાધિ થાય છે, ત્યારે જ્યાં સુધી સમાધિમાં શબ્દ, અર્થ ને જ્ઞાનનો વિકલ્પ કાયમ રહે છે, ત્યાં સુધી તે સવિતર્ક સમાધિ કહેવાય છે, ને જ્યારે તેનો વિકલ્પ નથી રહેતો, ત્યારે નિર્વિતર્ક સમાધિ કહેવાય છે.

તે પ્રમાણે બીજા પ્રકારના પદાર્થોના સૂક્ષ્મ રૂપમાં સમાધિ કરવામાં આવે છે, ત્યારે જ્યાં સુધી તે સમાધિમાં શબ્દ, અર્થ ને જ્ઞાનનો વિકલ્પ રહે છે, ત્યાં સુધી તે સવિચાર ને જ્યારે તેનો વિકલ્પ નથી રહેતો તે નિર્વિચાર સમાધિ કહેવાય છે.

નિર્વિચાર સમાધિમાં જ્યારે વિચાર નથી રહેતો, પણ અહંકાર રહે છે ને આનંદનો અનુભવ થાય છે, ત્યારે તે આનંદાનુગત સમાધિ કહેવાય છે, ને જ્યારે આનંદનો અનુભવ પણ નથી થતો, ત્યારે તે અસ્મિતાનુગત સમાધિ કહેવાય છે.

*

१८. विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः ।
18. virama pratyaya abhyasa purvah samskara shesha anyah

પરવૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી મન સાંસારિક પદાર્થોમાં રમતું નથી. તે ઉપરામ દશાને વિરામ-પ્રત્યય પણ કહે છે. ઉપરામ દશાના અનુભવમાં સાધના જ્યારે શમી જાય છે, ત્યારે ચિત્તવૃત્તિ શાંત થઇ જાય છે.

*

१९. भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् ।
19. bhava pratyayah videha prakruti layanam

વિદેહ ને પ્રકૃતિલય યોગીઓનો ઉપર કહેલો યોગ ભવપ્રત્યય કહેવાય છે.

પૂર્વજન્મમાં સાધના કરતાં કરતાં જે વિદેહ દશા સુધી પહોંચી ચૂક્યા હોય અથવા સ્થૂલ શરીરના બંધનથી છૂટીને શરીરથી પર થવાના અભ્યાસમાં પ્રવીણ થઇ શક્યા હોય, તેમજ જે પ્રકૃતિનો લય કરવાની કળામાં પણ પાવરધા થયા હોય, પણ કૈવલ્યની પ્રાપ્તિ પહેલાં જ મરણ પામ્યા હોય, તે બંને જાતના યોગી પુનર્જન્મ પામી યોગીકુલમાં જન્મે છે ને વિશેષ જાતના સાધનાના ક્રમ વિના જ નિર્બીજ સમાધિને મેળવી લે છે. એમની સમાધિ ભવપ્રત્યય કહેવાય છે. તેની સિદ્ધિમાં કોઇ સાધના કારણરૂપ થતી નથી પણ મનુષ્યજન્મની ફરી પ્રાપ્તિ જ કારણરૂપ છે.

*

२०. श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् ।
20. shraddha virya smruti samadhi prajna purvakah itaresham

બીજા સાધકોનો યોગ શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ ને પ્રજ્ઞાની મદદથી સિદ્ધ થાય છે.

શ્રદ્ધા વિના સાધના થાય નહિ. સાધકને પોતાની જાતમાં શ્રદ્ધા જોઇએ. તેની સાથે આત્મિક તાકાત જોઇએ. જીવનના જટિલ વાતાવરણમાં સાવધ રહીને પોતાનું ધ્યેય સિદ્ધ કરવાની તમન્ના જોઇએ. વિષયોથી મનને ઉપરામ કરીને સમાધિમાં ડૂબાડવાનો અભ્યાસ જોઇએ. સમાધિથી અંતઃકરણ પવિત્ર થઇ જાય છે ને સાધકની બુદ્ધિ ઋતંભરા એટલે સત્યને ધારણ કરનારી થઇ જાય છે. તેથી નિર્બીજ સમાધિની પ્રાપ્તિ સરળ થાય છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.