२६. स पूर्वेषाम् अपि गुरुः कालेनानवच्छेदात् ।
26. purvesham api guruh kalena anavachchhedat
ઇશ્વર, પૂર્વે થઇ ગયેલા સૌના ગુરૂ છે. કાળ તેમને સ્પર્શી કે તેમનો નાશ કરી શકતો નથી.
બ્રહ્મા સૃષ્ટિની શરૂઆતમાં ઉત્પન્ન થયા છે. તેથી તે સૌના ગુરૂ છે. તેમનું આયુષ્ય પણ લાંબુ છે. છતાં તેમને પણ કાળ છોડતો નથી. ઇશ્વર જ સૌના સ્વામી, સર્જનહાર ને અનાદિ છે. તે કાળના પણ કાળ છે. તેથી તે સૌથી ઉત્તમ, મહાન ને પુરાતન કહેવાય છે. જ્ઞાનના વિગ્રહ હોવાથી તે સૌના ગુરૂ છે.
*
२७. तस्य वाचकः प्रणवः ।
27. tasya vachakah pranavah
ઓમકાર તે ઇશ્વરનું નામ છે. એવાં બીજાં કેટલાય નામ છે તેમાં ઓમકાર મુખ્ય છે.
*
२८. तज्जपस्तदर्थभावनम् ।
28. tat japah tat artha bhavanam
એ ઓમકારના જપ, તેના અર્થનું મનન તથા તેના અર્થસ્વરૂપ ઇશ્વરનું ચિંતન કરવું જોઇએ. એવી સાધનાથી ઇશ્વરની કૃપા ને તેના પરિણામે યોગસાધનાની સિદ્ધિ થઇ શકે છે.
*
२९. ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ।
29. tatah pratyak chetana adhigamah api antaraya abhavash cha
એ પ્રકારના અભ્યાસથી બધી જાતનાં વિઘ્નો દૂર થાય છે, ને આત્માનું વાસ્તવિક જ્ઞાન પણ મળી જાય છે. તેથી કૈવલ્યદશા સહજમાં પ્રાપ્ત થાય છે.
*
३०. व्याधि स्त्यान संशय प्रमादालस्याविरति भ्रान्तिदर्शनालब्धभूमिकत्वा नवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः ।
30. vyadhi styana samshaya pramada alasya avirati bhranti-darshana alabdhabhumikatva anavasthitatva chitta vikshepa te antarayah
ચિત્તના વિક્ષેપ અથવા સાધનામાં આવતાં વિઘ્નો નવ જાતના છેઃ- વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિકત્વ ને અનવસ્થિતત્વ.
૧) તન, મન કે અંતરના રોગને વ્યાધિ કહે છે. એમાં ગાંડપણનો સમાવેશ પણ થઇ શકે.
૨) સાધના ના કરવાનો અથવા અકર્મણ્ય બનીને બેસી રહેવાનો સ્વભાવ સ્ત્યાન કહેવાય છે.
૩) પોતાની જાતમાં, સાધનાના ક્રમમાં, ફળમાં કે પુરુષાર્થમાં શંકા થાય તે સંશય છે.
૪) સાધના કરવામાં નિયમિત ના રહેવું ને બેપરવા બનવું તે પ્રમાદ કહેવાય છે.
૫) તમોગુણને લીધે સાધના કરવાનું મુલતવી રખાય તે આળસ કહેવાય છે.
૬) વિષયોમાં આસક્તિ થવાથી અથવા કોઇ બીજા કારણને લીધે શરૂઆતનો તીવ્ર વૈરાગ્ય પાછળથી ઢીલો પડી જાય ને બિલકુલ દૂર પણ થઇ જાય તેને અવિરતિ કહેવામાં આવે છે.
૭) સાધના સંબંધી ગેરસમજ ઉત્પન્ન થવી, બુદ્ધિભ્રમ થવો ને સાધનાના માર્ગમાં આવતાં જુદાંજુદાં દર્શનના અનુભવથી કૃતકૃત્ય બની બેસી જવું એ ભ્રાંતિદર્શન છે.
૮) સાધના કરતા રહેવા છતાં કોઇ કારણથી ઉચ્ચ ભૂમિકાની પ્રાપ્તિ ના થાય તો સાધકનો ઉત્સાહ શમી જાય તેને અલબ્ધભૂમિકત્વ કહે છે.
૯) સાધના દ્વારા જે દશા મળે તે દશા કાયમ ના રહે, કોઇ કારણથી તેનાથી ઉતરતી ને કેટલીકવાર વિરુદ્ધ દશામાં પણ સાધકને રહેવું પડે, તેને અનવસ્થિતત્વ કહે છે.