ભક્તિ કામધેનુ છે ભાઈ !
સેવન કરતાં સૌ ફળ આપે, સર્વકાળ સુખદાયી;
મનોરથ બધા પૂર્ણ કરી દે, મંગલમય છે માઈ ... ભક્તિ.
અખૂટ અમૃતની છે સરિતા, સ્નાન કરી લે ભાઈ !
તન મન અંતરને અજવાળે! મમતા મદ દે મારી .. ભક્તિ
જડ કાજે પણ જીવનદાયક, છે અક્ષય ધન ભાઈ !
ધન્ય થયા કૈં સેવી એને, સુખમાં ગયા સમાઈ ... ભક્તિ.
વેદ વખાણે કેમ કરીને, શાસ્ત્ર જાય અકળાઈ;
શેષ શારદા સંતન હારે, શોભા દેખી ભારી ... ભક્તિ.
સ્વલ્પ કરે સેવા તેના પર, જાય ખરેખર વારી;
‘પાગલ’ તેની પાછળ ફરતા, પ્રભુયે હૈયું હારી ... ભક્તિ.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

