Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધન ભલે છોડી જેને જવું હો તે જાય,
હું તો તેને તુચ્છ નહીં માનીશ કદાય;
ઘરબ્હાર છોડી કરે વનમાં છો વાસ,
મારે ઘરમાં જ રહ્યો વનનો આસ્વાદ.

ભોગ ગણી તુચ્છ તેને મારે ભલે લાત,
હું તો ભોગના સિંહાસને વિરાજું આજ;
સ્ત્રીને ભલે ત્યાગે,માને ક્લિષ્ટ તેની કાય,
મારે પ્રભુરૂપ લક્ષ્મી સેવે નિત પાય.

જીવન ક્ષણિક કહી દોડે વનવાટ,
મારે માટે તો અનંત ચાલે શ્વાસેશ્વાસ;
પ્રેમના સંબંધ છોડી જાયે શાંતિ કાજ,
પ્રેમસંબંધે સદાયે મારે તો આરામ.

સુંદર ને સત્યમાંથી થયો અવતાર,
સુંદર ને સત્યમાં જ મળિયું છે સ્થાન;
કોને છોડવાનું રહ્યું, વળી કોને કાજ,
એ તો બધો ભ્રમ, હું તો ભ્રમતણી બ્હાર.

જ્ઞાન એક મેળવીને થવાનું છે શાંત,
તેને બદલે ફેલાવી કેવી બાહ્ય જાળ;
હું તો આ સ્વરૂપ સ્થિતિ ધારીને હંમેશ
થાય છે તે કરી રહું છું કાર્ય સૃષ્ટિ કાજ !

વૈરાગીઓ છોને કહે આને એ વૈરાગ,
મને એવા વૈરાગથી યે થયો વૈરાગ;
હું તો પંખી જેમ કરું કિલ્લોલ સદાય,
વિશ્વના માળામાં મારે મુક્તિ સદા કાજ.

- શ્રી યોગેશ્વરજી