MP3 Audio
*
હંકારો રે, હલેસાં મારો રે, ચાલી અમારી નૈયા !
ભર દરિયે તોફાન મધ્ય રે ચાલી અમારી નૈયા !
તોફાનથી તો ડરે કદી ના, એવી અમારી નૈયા,
મરણનાય મુખમાં રમનારી, નાની અમારી નૈયા ! ... હંકારો રે
આનંદની લ્હેરે લ્હેરાતી ચાલતી, એવી અમારી નૈયા;
ઝંઝાવાતે ઝુમનારી અમારી, ન્હાની શી એવી નૈયા !... હંકારો રે
કોઇની યાચના કોઇની દયા ના, એકલી જનારી નૈયા;
સમદરને નાથીને પાર એ આવતી, એક અમે એના ખેવૈયા ... હંકારો રે
ભૂત વર્તમાન ભાવિ રાખ્યાં છે હાથમાં,તૂટીનાતૂટે નૈયા;
સ્નેહે અમે તો એની સાથે ખેલી રહ્યા, ખેલી રહે જેમ છૈયાં ! ... હંકારો રે
- શ્રી યોગેશ્વરજી

