Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાઇ, આ તો ઉત્સવટાણું.

જીવનમંગલ માણવા માટે અવસર આવ્યો અનોખો,
જોજો રહી જાય અંતરમાંહી નાનો કે મોટો ધોખો;
એકલ હોય પ્ર વાસ છતાંયે ગાવું ગૌરવગાણું. ... ભાઇ, આ તો ઉત્સવટાણું.

પ્રારંભથી હતી જાણ પૂરેપૂરી પંથ ગુલાબે ભર્યો ના,
કંટક કેવળ તેમ ના તેમાં, આરામ થાક રહ્યો ના.
તૃષ્ણા તજીને કર્મ કરી લેતાં અશ્રુ આવી જાય શાનું ? ...  ભાઇ, આ તો ઉત્સવટાણું.

સંગી ને સાથી નથી મળવાના મિત્રો વળી મમતાળુ,
પોતાનાં માનેલાં પારકાં બનતાં વીંટી વળે છે અંધારું;
નિર્ભર આત્મપ્રકાશે રહીને કાપવી કેડી ચારુ. ....  ભાઇ, આ તો ઉત્સવટાણું.

લાખ નિરાશાથકી પણ પામવું આશારશ્મિ રૂપાળું,
વેદના ચિંતા પરાજય અંતે માણવું જયસુખ ન્યારું;
ત્યાં લગ કેમ નખાય નિસાસા, વીરનું જીવન જાણું. ... ભાઇ, આ તો ઉત્સવટાણું.

- શ્રી યોગેશ્વરજી