Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આપણો તો પૂરવ જનમનો પ્રેમ,
તમે ભૂલી ગયાં છો કેમ ? ....આપણો

વારેવારે તમોને યાદી આપી મેં, પ્રીતનો ન્યારો નેમ;
તોયે ના પ્રેમ કરી પાસે પધાર્યા, રોઈ રહ્યો એમનેમ. ....આપણો

પ્રેમી કદીયે ના છૂટાં પડે છે, કથામાં કહેવાય એમ;
પ્રાણ એક બંનેના બોલાય એવું, વિસરી ગયાં કે કેમ ? ....આપણો

પ્રાણને ઉજાળીને ક્રાંતિ ધરે છે, લાજે એની પાસે હેમ;
પૂજાએ પ્રેમની જુગ જુગથી ચાલતી;પૂર્ણાહુતિ થાય કેમ ? ....આપણો

આઘે રહ્યાં કેમ વરસોથી આજે, શાને કરો ના રે’મ ?
પૃથ્વીમાં આવીને પાડયો પોકાર મેં, તમને જ કીધો પ્રેમ. ....આપણો

સાથે રહીને વાતો કરેલી, લીલા કરેલી તેમ;
છાયા ને તાપ જેમ સાથે રહેતાં; ભૂલી ગયા કે કેમ ? ....આપણો

વિસરી વિસરાય ના વાતો પુરાણી,ના થવાય અજ્ઞની જેમ;
ધર્મ તમે ભૂલશો તો કેમ કરી ચાલશે, મર્યાદા રે’શે કેમ ? ....આપણો

સંદેશ આપવાના તમને ના હોયે ગાઈ ગીતોમાં પ્રેમ;
પોકાર્યા પહેલાં પધારવું ઘટે છે, માનું છું હું તો એમ. ....આપણો

પ્રીતડી પુરાણીને યાદ કરી આવજો દારુડિયાની જેમ;
જડ ને ચેતનમાં પ્રસર્યાં છતાંયે પ્રકટો બનીને પ્રેમ. ....આપણો

- શ્રી યોગેશ્વરજી