MP3 Audio
*
હૈયે હેત ભરી, અંગે તેજ ધરી,
આજે આંગણે મારે આવો, મને પ્રેમપિયાલો પિલાવો.
વદને સજતાં સ્મિત ચારુ, નયને ભરતાં મધુ ન્યારું,
બધે ગંધ ભરી, મધુ શબ્દ કરી, તમે આવો. ... મને પ્રેમ પિયાલો.
લઇ રૂપ ખરે રઢિયાળું, વળી અંગ સુવાસિત સારું,
મને શાંતિ ધરો,વળી ધન્ય કરો, તમે આવો. ... મને પ્રેમ પિયાલો.
જોવા તમને સદાયે ચહું છું, કાલા ઘેલાં કૈં ગીતો કહું છું;
માની મોતી મણી,સુપ્રસન્ન બની, તમે આવો.... મને પ્રેમ પિયાલો.
જીવું એકલ આ જગમાં હું, સાથ સાચો તમારો ચહું છું;
મને સાથ ધરો, બધો થાક હરો, તમે આવો. ... મને પ્રેમ પિયાલો.
તમે દીનબંધુ કહેવાઓ, કેમ દીનતા ના જ મીટાવો ?
નાથ, છાયા ધરો ને સનાથ કરો, તમે આવો. ... મને પ્રેમ પિયાલો.
પહેલાંયે કૃપા તો કરી છે, કિન્તુ તરસ બધી ન ટળી છે;
કૃપા થાય ફરી એવી આશ ભરી, તમે આવો. ... મને પ્રેમ પિયાલો.
જોઉં રૂપને આંખ ભરીને, કરું વાત ઉમંગ કરીને;
એવી આશ લઇ, બેઠો આર્ત થઇ; તમે આવો. ... મને પ્રેમ પિયાલો.
પાર વિનાના પ્રેમની પ્યાલી, મારી મુખમાં કરી દો ખાલી;
વિષ સર્વ મરે, હેતુ સકળ સરે; તમે આવો. .... મને પ્રેમ પિયાલો.
- શ્રી યોગેશ્વરજી

