અંતરનો અનુરાગ થયો છે !
દિવસે દિવસે વધતાં વધતાં ભાવોનો મધુબાગ બન્યો છે ! ... અંતરનો
કેમે કરતાં ના જ ટળે એ ના ટળશે જીવનમાંથી તે;
તનમન માંહી મળી ગયો છે, એક નવો સંસાર થયો છે ! ... અંતરનો
જ્યોત જલે જેવી મંદિરમાં, પ્રકાશ તેનો ખૂબ ભર્યો છે;
તિમિરપડળ તૂટ્યાં છે સઘળાં ઉત્સવ અપરંપાર થયો છે. ... અંતરનો
એક તમારા ભાવ ભર્યા છે, અન્ય વિચાર ખરે મર્યા છે,
રાગ તમારો એક રહ્યો છે, પ્રાણ નવીન પ્રફુલ્લ થયો છે. ... અંતરનો
અમર રહે અનુરાગ ભલે તે જીવનને અમૃતમય છે એ;
દિવસે દિવસે વધે ભલે ને; તેથી તો મુજ વેશ ફર્યો છે ! ... અંતરનો
તમને પણ અનુરાગ સદા હો, મુજ માટે મધુભાવ સદા હો;
અનુરાગ તણા સંગમસ્થળ પર મિલન આપણું આજ મહા હો ! ... અંતરનો
મારા ઉપર ઉપકાર કર્યો છે, અંતરમાં અનુરાગ ભર્યો છે ! ... અંતરનો
- શ્રી યોગેશ્વરજી

