દીપાવલી કેમ સજે ન સાજ, પ્રકાશની રાત મહાન આજ.
ઘરે ઘરે દીપક છે પ્રકાશ્યા, અનંત છે મંદીરમાં વિરાજ્યા;
દેખાય તારાગણ છેક કાચા, પ્રકાશને યે પ્રકટેલ વાચા !
પ્રકાશના પંથતણો પ્રવાસી, બેઠો હું આજે તજતાં ઉદાસી;
થઇ રહ્યો અંતરમાં અવાજ, પ્રકાશની રાત મહાન આજ.
પ્રકાશનો પૂરણ પંથ થાય, સિદ્ધિ મળી પૂરણ આજ જાય;
સજી લઉં સુંદર છેક સાજ, પ્રકાશની મંગલ રાત આજ.
દીપાવલીથી વધુ તેજ ધારી, સુવાસને કાંતિ અનંત ન્યારી,
લઇ પધારો મુજ પાસે પ્રેમે, કૃપા કરો આજ અવશ્ય કેમે.
*
પ્રેમ પાવન આજે તો પૂર્ણ સાધનકાલ હો,
કાલે સંસિદ્ધિનું ન્યારું પ્રકટેલ પ્રભાત હો !
- શ્રી યોગેશ્વરજી

