Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હે વિરહના દિવસ સારા, હો પસાર હવે તમે,
જેમ વાદળ વ્યોમનાં આ; વિરહ વધુ હવે ન ગમે ...  હે વિરહના.

જેમ પાણીના પ્રવાહો ત્વરિત ગતિથી આ વહે,
ત્વરિત તેથી યે વહેજો; પ્રાણ મારો સુખ લહે. ...  હે વિરહના.

દુઃખનો અનુભવ ન થાયે, લેશ ચિંતા હો નહીં;
થાવ ઉપકારક તમે તો, અંતરાય ધરો નહીં. ...  હે વિરહના.

નાવ પાર કરે નદીથી, કાળ નીર થકી તમે
પાર કરજો તેમ મુજને, મન મરે કે ના ભમે. ...  હે વિરહના.

જ્યોતિ જેમ જલી જઇને તેજની રેખા ધરો;
બીજ બનતાં શુષ્ક રણને કાલ અંકુરથી ભરો ! ...  હે વિરહના.

અંધની દ્રષ્ટિ બનો ને બધિરનું સંગીત હો;
ચેતના જડની; કરી દો યોગ તેમ વિયોગનો ! ...  હે વિરહના.

ત્રુટિત તારોને મિલાવો, હૃદયનો સંગમ કરો;
સમર્પણ સઘળું કરીને મિલનની મહેફિલ ધરો. ...  હે વિરહના.

તૃપ્તિ આપો તપ્તને, સેવા અનોખી એ કરો,
છોડી પ્રમાદ પસાર થાઓ, જિંદગી સાર્થક કરો. ...  હે વિરહના.

મિલનની મધુરી પળે જલદી પહોંચાડો મને,
આજ તો થાઓ સફળ, પાછા ફરો ના મુજ કને. ...  હે વિરહના.

- શ્રી યોગેશ્વરજી