Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હૈયે હૈયે હરિનો વાસ, એમાં ભેદ નથી કૈં ખાસ.

જડચેતનમાં રાસ રમે છે પ્રાણતણો પણ પાસ;
વિરાટ અલ્પ બધામાં વસતો, હો સ્વામી કે દાસ ... હૈયે

રાય રંકના ભેદ ન તેને, બધે કરે આવાસ;
મહેલ તેમ મઢીમાં મંગલ જંગલ લે છે શ્વાસ ... હૈયે

રણને વનમાં,જળસ્થળ થાયે એનો દિવ્ય પ્રકાશ;
ઉડુગણને આભલિયામાં એ રોજ રમે છે રાસ ... હૈયે

રક્તે રણકે, મલકે મનમાં, સર્જન કરે વિનાશ;
જગજીવન જીવનને આપે, રહે સદા અવિનાશ ... હૈયે

નિહાળ એને હૈયામાં તો તૂટે સઘળાં પાશ;
જ્યાં દેખે ત્યાં એને જોતાં પૂરણ પામ પ્રકાશ ... હૈયે.

- શ્રી યોગેશ્વરજી