Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

પોકારી પોકારી થાકું તોય તમે સાંભળો ના,
તોય મારો બંધ કરું કદી ના પોકાર;
આંસુ ના લૂછો ભલેને આશ્વાસન આપો નહીં,
વહાવું અખંડ તોયે આંસુ કેરી ધાર. ...પોકારી પોકારી થાકું.

માળ ભલે કરમાયે રોજ રોજ તોયે ગૂંથી,
રોજ રોજ આશાભર્યો મંદિરને દ્વાર;
આવીને ઊભો રહું હું પ્રેમતણી માળા લઈ,
સ્વીકાર ના સદ્ય કરો લગાડો છો વાર. ...પોકારી પોકારી થાકું.

પ્રાર્થનાનો ઉત્તર મળે નહીં ભલેને મને,
આતુરતા અંતરની ભલે ના પોષાય;
આહ ને ઉજાગરાનો અંત ભલે આવે નહીં,
દર્દની દવા કરો ના કરો ના ઉપાય. ...પોકારી પોકારી થાકું.

પ્રાર્થતા રહેવું, થવું આતુર તમારે માટે,
આહ ને ઉજાગરાને સહેવા હંમેશ,
દર્દ તેમ દુઃખતણા પારાવારમાંહી મારે,
સ્મિત સાથે રમી રે'વું, સહી લેવા ક્લેશ. ...પોકારી પોકારી થાકું.

બોલાવશો ના છતાંય આવીશ તમારીપાસે,
સત્કારશો ના છતાંય કરીશ સત્કાર;
આરાધીશ આતુરતા હશે ના છતાં તમોને,
બોલશો ના તોય સદા ગાઈશ મલ્હાર. ...પોકારી પોકારી થાકું.

લાત મારશો છતાંય ચાહીશ એ ચરણોને,
તિરસ્કારશો છતાંય આવીશ હું પાસ;
ભૂલીજશો, ભૂલવા કહેશો, હું સ્મરીશ તોયે,
માળાને જપી રહીશ સદા શ્વાસોશ્વાસ. ...પોકારી પોકારી થાકું.

દિલ છે દીધું તમોને 'પાગલ’છે પ્રાણ થયો,
તમારા વિના કહોને એને ક્યાં આરામ ?
જીવન ને મૃત્યુમાં, અપૂર્ણતા ને પૂર્ણતામાં,
તમારા મહીં જ હશે મારો તો વિરામ....પોકારી પોકારી થાકું.

- શ્રી યોગેશ્વરજી