દુઃખી છે આજે આ જગત, કરુણાકાજ રડતાં
કરોડો છે લોકો, જડજન થકી ઘોર સહતાં,
દુઃખે એવા લોકો અગણિત અહીં,ભ્રાન્તિ પથમાં,
ભમે લાખો, લાખો મરણ દુઃખ રોગે લથડતાં.
હશે એવો કોઇ મનુજ નિરખીને દુઃખદ આ
અવસ્થા ના જેના હૃદય-તલથી આંસુ સરતાં ?
તૂટે જેની છાતી નહિ, વન ઉઠે પ્રેમ કરુણા,
હશે એવો કોઇ જડ હૃદય આ સૃષ્ટિ તળમાં ?
તજીને ભોગો ને ભવન વનમાં બુદ્ધ નીકળ્યા,
હજારો ને બીજા સરલ કરવા માર્ગ ઉપડ્યા !
છતાં તેની ધારી અસર ન થઇ આજ જગમાં,
કરી ક્રાન્તિ દેવા પ્રણયરસ ભીના અમ ઊભા !
મહા કાર્યો માગે સમય પણ મોટો પ્રકટવા,
થતા તેને માટે પ્રતિ દિવસ છોને અમ ફના.
- શ્રી યોગેશ્વરજી

