Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભો આપો ભિક્ષા; બહુ દિવસથી મૂક બનતાં,
ઊભો દ્વારે પ્રેમે ઉર પ્રણયતંત્રી બજવતાં;
તમારાં ગીતોથી રસિક બનતાં, વ્યાકુળ થતાં,
હવે તો પોકારી રહું છું; દુઃખકારી ખલુ દશા.

પ્રભો આપો ભિક્ષા; હૃદય કરતાં પાત્ર કરમાં,
ઊભો દ્વારે પ્રેમે નયન દ્વય ઠારી ચરણમાં;
મૂકી વીણા હેઠે, સ્વર પણ મૂક્યા શૂન્ય બનતા,
સૂતો દ્વારે પ્રાર્થી રહું છું પ્રભુજી ગદ્ ગદ્ થતાં.

પ્રભો આપો ભિક્ષા; નવ વિભવ કે કીર્તિ ધનની,
ઊઠી મારે ચિત્તે કદીક પણ આશા ક્ષણિક શી;
નથી સત્તા માગી, અતુલ મહિમા, શક્તિ વિભુની,
નથી મારે આજે જગમહીં મહત્તા ય ખપની !

પ્રભો આપો ભિક્ષા; હૃદયપટને શુદ્ધ કરતાં,
વસો તેમાં, ચીંધો પથ પૃથિવીના દીપ બનતાં !

- શ્રી યોગેશ્વરજી